- Politics
- ટ્રમ્પ-PM મોદીના સંબંધોમાં કેમ આવી કડવાશ? એક્સપર્ટ્સે જણાવ્યા 4 મહત્ત્વના કારણ
ટ્રમ્પ-PM મોદીના સંબંધોમાં કેમ આવી કડવાશ? એક્સપર્ટ્સે જણાવ્યા 4 મહત્ત્વના કારણ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જ ભારત પર 50 ટકાનો ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે યુક્રેન યુદ્ધથી અમેરિકાને થઈ રહેલા ભારે નુકસાનનો ઉલ્લેખ કરતા યુદ્ધ માટે ભારતને દોષી ઠેરવ્યું છે. જોકે એક્સપર્ટ્સનું માનવું છે કે આ માત્ર કહેવા પૂરતી વાતો છે, અસલી કારણ કંઈક બીજા છે. તેમણે અમેરિકાના આ પગલા પાછળ 4 મુખ્ય કારણો બતાવ્યા છે, જેના કારણે ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેના સંબંધોમાં કડવાશ જોવા મળી રહી છે.
એક્સપર્ટ્સે બતાવ્યા 4 મુખ્ય કારણો
એક્સપર્ટ્સના મતે ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેના સંબંધોમાં કડવાશ આવવાના કેટલાક મુખ્ય કારણો નીચે મુજબ છે:
1. કાશ્મીર મુદ્દા પર અસહમતિ: જુલાઈ 2019માં પાકિસ્તાનના તત્કાલીન વડાપ્રધાન ઇમરાન ખાનની અમેરિકા મુલાકાત દરમિયાન, ટ્રમ્પે દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને કાશ્મીર મુદ્દા પર મધ્યસ્થી કરવા કહ્યું હતું. ભારતે આ નિવેદનનું ખંડન કરતા સ્પષ્ટ કહ્યું હતું કે કાશ્મીર દ્વિપક્ષીય મામલો છે અને તેમાં કોઈપણ ત્રીજા પક્ષની ભૂમિકા સ્વીકાર્ય નથી. ટ્રમ્પના આ નિવેદનથી ભારત નારાજ થયું હતું, જેના કારણે બંને નેતાઓ વચ્ચે તણાવની શરૂઆત થઈ હતી.
2. અમેરિકન ચૂંટણી દરમિયાન રદ થયેલી મુલાકાત: અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રમ્પ અને ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસ બંનેને મળવા માટે સમય માગ્યો હતો. ટ્રમ્પે ન માત્ર સમય આપ્યો, પરંતુ પોતાની રેલીમાં એવી જાહેરાત પણ કરી દીધી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમને મળવા આવી રહ્યા છે. જોકે, કમલા હેરિસે અંતિમ સમયે મુલાકાત માટે સમય આપ્યો નહોતો. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકતરફી મુલાકાતને અયોગ્ય માનતા ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની તેમની મુલાકાત પણ રદ કરી દીધી હતી. આ ઘટનાએ ટ્રમ્પને ભારે જ દુઃખ પહોંચાડ્યું.
3. ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ પર દાવાઓની અથડામણ: ટ્રમ્પે ઓછામાં ઓછી 42 વખત દાવો કર્યો છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામનો નિર્ણય તેમની મધ્યસ્થીનું પરિણામ છે. બીજી તરફ ભારતે વારંવાર સ્પષ્ટતા કરી છે કે આ યુદ્ધવિરામ પાકિસ્તાનની પહેલ પર થયો હતો. ટ્રમ્પના વારંવારના દાવાઓ અને ભારતના ઇનકારથી બંને નેતાઓ વચ્ચે તણાવ વધુ વધ્યો.
4. G7 સમિટ અને વોશિંગ્ટન મીટિંગનો વિવાદ: ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેનેડામાં થયેલી G7 સમિટ દરમિયાન મળવાના હતા, પરંતુ ટ્રમ્પ અચાનક સમિટ છોડીને અમેરિકા પાછા ફરી ગયા અને વડાપ્રધાન નરેન્દર મોદીને વોશિંગ્ટન આવવાનું આમંત્રણ આપ્યું. યોગાનુયોગ પાકિસ્તાન આર્મી ચીફ જનરલ અસીમ મુનીર એ જ દિવસે વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પને મળવાના હતા. મોદીએ વોશિંગ્ટન જવાનો ઇનકાર કરી દીધો હતો, જેને ટ્રમ્પે વ્યક્તિગત રીતે લીધો હતો.
ટ્રમ્પનો કૉલ અને અજાણ્યા નંબરનો વિવાદ
એક પ્રતિષ્ઠિત જર્મન અખબાર FAZએ બીજી ઘટનાનો ઉલ્લેખ કર્યો છે, જેણે આ તણાવમાં વધારો કર્યો છે. અખબાર અનુસાર, ટ્રમ્પે પોતાના નવા કાર્યકાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 4 વખત ફોન કર્યો હતો, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનો ફોન રીસિવ કર્યો નહોતો. આનું કારણ એવું બતાવવામાં આવ્યું હતું કે ટ્રમ્પે પોતાના પાછલા કાર્યકાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પોતાનો ખાનગી નંબર શેર કર્યો હતો. જોકે, નવા કાર્યકાળમાં ટ્રમ્પે સુરક્ષાના કારણોસર પોતાનો ફોન અને નંબર બદલ્યો હતો. એવું માનવામાં આવે છે કે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના નવા નંબર પરથી ફોન કર્યો હતો, જે એક અજાણ્યો નંબર હતો. આ કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોલ રીસિવ કર્યો નહોતો. એક્સપર્ટ્સનું માનવું છે કે ટ્રમ્પે તેને વ્યક્તિગત અપમાન તરીકે લીધું હતું અને તેની અસર ટેરિફ નિર્ણય પર દેખાઇ રહી છે.

