- Sports
- ‘સડેલું ઈંડું છે ધવન, તેણે જ બધાને ઉશ્કેર્યા, પાકિસ્તાન સાથે ભારતે રમવાની ના પાડતા બોખલાયો આફ્રિદી
‘સડેલું ઈંડું છે ધવન, તેણે જ બધાને ઉશ્કેર્યા, પાકિસ્તાન સાથે ભારતે રમવાની ના પાડતા બોખલાયો આફ્રિદી
દરેક વાતનો ઠીકરો ભારત પર ફોડવાની પાકિસ્તાનીઓની આદત ક્રિકેટના મેદાન પર પણ ચાલુ છે. ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા શાહિદ આફ્રિદીએ વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ (WCL 2025)માં ભારત-પાકિસ્તાન મેચ રદ થવા માટે શિખર ધવનને જવાબદાર ઠેરવ્યો છે. તેનું કહેવું છે કે ધવને બાકીના ભારતીય ક્રિકેટરોને 'ઉશ્કેર્યા', જેના કારણે WCLમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રદ કરવી પડી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રવિવારે 20 જુલાઈએ રમાવાની હતી. આજ દિવસે સ્થાનિક મીડિયા સાથે વાત કરતા આફ્રિદીએ દાવો કર્યો હતો કે ભારતીય ક્રિકેટરો પણ મેચ ન રમાવાથી નિરાશ હતા. તેણે મેચ રદ થવા માટે શિખર ધવનને જવાબદાર ઠેરવ્યો. આફ્રિદીએ ધવનને 'સડેલું ઈંડું' કહ્યો અને તેના પર બાકીના ભારતીય ક્રિકેટરોને 'ખરાબ' કરવાનો આરોપ લગાવ્યો.
આફ્રિદીએ કહ્યું કે, રમત દેશોને નજીક લાવે છે. જો રાજનીતિ દરેક વસ્તુમાં આવી જશે તો તમે આગળ કેવી રીતે વધશો? વાતચીત વિના બાબતોનો ઉકેલ નહીં આવી શકે. આ પ્રકારના આયોજનોનો હેતુ પણ સામ-સામે મળવાનો હોય છે. પરંતુ તમે જાણો છો કે હંમેશાં એક સડેલું ઈંડું હોય છે જે બધું બગાડી દે છે. આફ્રિદીએ કહ્યું કે, ધવન પોતાના દેશ માટે શરમનું કારણ છે. જો ભારતીય ટીમ WCL 2025માં રમવા માગતી નહોતી, તો તેણે ઘરે જ રહેવું જોઈતું હતું. પાકિસ્તાનના પૂર્વ લેગ-સ્પિનરે કહ્યું કે, તેણે મેચના એક દિવસ અગાઉ ટ્રેનિંગ લીધી હતી. મને લાગે છે કે તેણે માત્ર એક ખેલાડીના કારણે મેચમાંથી નામ પાછું લઈ લીધું. ભારતીય ટીમ પણ ખૂબ નિરાશ છે. તેઓ અહીં રમવા આવ્યા હતા. હું તમને બતાવી રહ્યો છું કે તમારે દેશ માટે સારા રાજદૂત બનવું જોઈએ, શરમનું કારણ નહીં.
https://twitter.com/SDhawan25/status/1946652292813554132
આફ્રિદીનું કહેવું હતું કે તેઓ ત્યાં ક્રિકેટના રાજદૂત તરીકે આવ્યો હતો. તે એ વાતથી નિરાશ હતો કે મેચ એજબેસ્ટનમાં ન થઈ. તેણે કહ્યું કે અમે બીજી મેચ (ભારત સામે) રમવા માટે ખૂબ જ ઉત્સાહિત હતા. મને લાગ્યું કે અમે મેદાન પર હોઈશું. અમે 17000-18000 દર્શકોની અપેક્ષા રાખી રહ્યા હતા. પરંતુ હા, તે ખૂબ જ નિરાશાજનક છે કે અમે ન રમ્યા. આફ્રિદીએ દાવો કર્યો કે જો તેને ખબર હોત કે ભારતીય ટીમને તેની ઉપસ્થિતિથી સમસ્યા છે, તો તે રવિવારની મેચથી પોતાને અલગ કરી લેતો. તેણે કહ્યું કે, ‘જો તેઓ મારી ઉપસ્થિતિને કારણે રમવા માગતા નહોતા, તો હું ઘર પર જ રહેતો. ક્રિકેટ ચાલુ રહેવી જોઈતી હતી. ક્રિકેટ સામે શાહિદ આફ્રિદી કોણ છે? કોઈ નહીં.’
https://www.instagram.com/reel/DMVfD3rC43m/?utm_source=ig_web_copy_link
તમને યાદ અપાવી દઈએ કે આ એ જ શાહિદ આફ્રિદી છે જેણે પહેલગામ હુમલાને લઈને ભારત વિરુદ્ધ ગંદી ટિપ્પણીઓ કરી હતી. તેણે આરોપ લગાવ્યો હતો કે ભારત સરકારે પહેલગામમાં પોતાના જ નાગરિકો પર હુમલો કર્યો. ભારત પોતે આતંકવાદ ફેલાવે છે, પોતાના જ લોકોને મારે છે અને પછી પાકિસ્તાન પર દોષારોપણ કરે છે. એટલું જ નહીં આફ્રિદી સમય-સમય પર કાશ્મીર અને PoKને લઈને પણ વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરતો રહ્યો છે.
નોંધનીય છે કે, WCL 2025માં ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેની પહેલી ક્રિકેટ મેચ થવાની હતી. પરંતુ સોશિયલ મીડિયા પર ભારતીય નાગરિકોની ભારે પ્રતિક્રિયા બાદ મેચ રદ કરી દેવામાં આવી હતી. લોકોએ પાકિસ્તાન સાથે સીમા પર તણાવ વચ્ચે પાકિસ્તાની ક્રિકેટરો સાથે મેચ રમવાને લઇને પૂર્વ ક્રિકેટરો પર સવાલ ઉઠાવ્યા હતા.

