- Sports
- પ્રીતિ ઝિન્ટાએ બદલાવ્યો પ્લેયર ઓફ ધ મેચ, શ્રેયસ ઐય્યર..’, IPLના સ્ટાર ખેલાડીનો મોટો ખુલાસો
પ્રીતિ ઝિન્ટાએ બદલાવ્યો પ્લેયર ઓફ ધ મેચ, શ્રેયસ ઐય્યર..’, IPLના સ્ટાર ખેલાડીનો મોટો ખુલાસો
IPL 2025માં પંજાબ કિંગ્સ (PBKS)ના પ્રદર્શનને બધા ફેન્સે સલામ કર્યું હતું. આ ટીમ ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ ફાઇનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે હારી ગઈ હતી. આમ માત્ર પંજાબના ખેલાડીઓ જ નહીં, પરંતુ IPLમાં પંજાબ કિંગ્સ ટીમની માલિકિન પ્રીતિ ઝિન્ટા પણ છવાયેલી રહે છે. પ્રીતિ ઝિન્ટા લગભગ દરેક મેચ જોવા માટે સ્ટેડિયમમાં આવે છે અને ફેન્સ તેને ખૂબ પસંદ કરે છે. હવે IPLના એક સ્ટાર ખેલાડીએ પ્રીતિ ઝિન્ટાને લઇને મોટો ખુલાસો કર્યો છે. આ ખેલાડી સંદીપ શર્મા છે, જેણે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે પ્રીતિ ઝિન્ટાના કહેવા પર પ્લેયર ઓફ ધ મેચ કેવી રીતે બદલી દેવામાં આવ્યો હતો.
સંદીપ શર્માએ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ‘બેંગ્લોરમાં રમાયેલી એક IPL મેચમાં પ્રીતિ ઝિન્ટાએ રવિ શાસ્ત્રીને પૂછીને પ્લેયર ઓફ ધ મેચ બદલાવી દીધો હતો. સંદીપ શર્માએ કહ્યું કે, ‘બેંગ્લોરમાં રમાયેલી એક IPL મેચમાં મેં નવા બૉલથી 3 વિકેટ લીધી હતી. એ મેચમાં વિરાટ કોહલી, એબી ડી વિલિયર્સ અને ક્રિસ ગેલને આઉટ કર્યા હતા, પરંતુ તે મેચમાં અક્ષર પટેલ પ્લેયર ઓફ ધ મેચ બનવાનો હતો કારણ કે તેણે 2 વિકેટ લીધી હતી અને 25 રન પણ બનાવ્યા હતા. પરંતુ પ્રીતિએ રવિ શાસ્ત્રીને કહ્યું કે પ્લેયર ઓફ ધ મેચ સેન્ડી (સંદીપ શર્મા) હોવો જોઈએ.’
સંદીપ શર્માએ પ્રીતિ ઝિન્ટા સાથે શ્રેયસ ઐયર પર પણ મોટું નિવેદન આપ્યું. તેણે કહ્યું કે ટીમને IPL ફાઇનલમાં લઈ જવાનો અર્થ એ નથી કે તમે ભારતના કેપ્ટન પણ બની જશો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ એક અલગ પડકાર છે. શ્રેયસ ઐયરને કેપ્ટન બનાવવાની વાત થઈ રહી છે કારણ કે તેણે IPLમાં પોતાની ટીમને ફાઇનલમાં પહોંચાડી હતી, આ વાત જ વાહિયાત છે. સૂર્યકુમાર યાદવ કોઈ IPL ટીમની કેપ્ટન્સી કરી રહ્યો નથી, તો તેનો અર્થ એ છે કે આ કોઈ મુદ્દો નથી. ભારતીય ટીમ એકદમ અલગ ટીમ છે, લોકોએ આ વાત સમજવી જોઈએ.’
32 વર્ષીય સંદીપ શર્માએ ભારત માટે 2 T20 મેચ રમી છે. IPLની વાત કરીએ તો તેણે 3 ટીમો માટે કુલ 146 વિકેટ લીધી છે. તેની ઇકોનોમી રેટ માત્ર 8.03 રન પ્રતિ ઓવર છે. સંદીપ શર્મા વિરાટ કોહલીની વિકેટ લેવા માટે જાણીતા છે, તે આ દિગ્ગજ બેટ્સમેનને ખૂબ પરેશાન કરે છે.

