- Sports
- 3 દિવસમાં ત્રીજો ખેલાડી ઇજાગ્રસ્ત, આખી સીરિઝથી બહાર, ચોથી ટેસ્ટ અગાઉ મુશ્કેલીમાં ભારતીય ટીમ
3 દિવસમાં ત્રીજો ખેલાડી ઇજાગ્રસ્ત, આખી સીરિઝથી બહાર, ચોથી ટેસ્ટ અગાઉ મુશ્કેલીમાં ભારતીય ટીમ
ઈંગ્લેન્ડ પ્રવાસ પર ભારતીય ટીમ માટે સીરિઝ દાવ પર લાગી છે. આ દરમિયાન ઈજાની ચિંતાએ ભારતીય ટીમને મુશ્કેલીમાં મૂકી દીધી છે. ભારતીય ટીમના 2 બોલર ચોથી ટેસ્ટમાંથી બહાર થઈ ચૂક્યા છે. હવે 3 દિવસની અંદર, ત્રીજો ખેલાડી બહાર થવાના સમાચાર આવી રહ્યા છે. એવા સમાચાર મળી રહ્યા છે કે આ ખેલાડી ગંભીર ઈજાને કારણે આખી સીરિઝમાંથી બહાર થઈ ગયો છે. અર્શદીપ સિંહ અને આકાશ દીપની સાથે, આ ખેલાડીનું નામ પણ ઈજાની લિસ્ટમાં જોડાઈ ચૂક્યું છે.
ભારતીય ટીમ પર ઈજાનું જોખમ સતત મંડરાઈ રહ્યું છે. ફાસ્ટ બોલર જસપ્રીત બૂમરાહ વર્ક લોડને કારણે પહેલા જ 5માંથી 3 ટેસ્ટ માટે ઉપલબ્ધ હતો. પરંતુ હવે બૂમરાહને મજબૂરીમાં રમવું પડી શકે છે. ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ અને આકાશ દીપ પહેલાથી જ ઈજાઓથી પીડાઈ રહ્યા છે, જેના કારણે 23 જુલાઈથી રમાનારી માન્ચેસ્ટર ટેસ્ટમાં તેમની ઉપસ્થિતિ મુશ્કેલ છે. આકાશ દીપને પીઠની સમસ્યા છે, જે ત્રીજી ટેસ્ટમાં જ જોવા મળી હતી. તો પોતાના ડેબ્યૂ અગાઉ જ અર્શદીપના બોલિંગ હેન્ડમાં ટ્રેનિંગ દરમિયાન ઈજા થઈ હતી.
ESPN ક્રિકઇન્ફોના અહેવાલ મુજબ, હવે ભારતીય ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી આખી સીરિઝમાંથી બહાર થઈ ગયો છે. નીતિશ કુમાર રેડ્ડી ઘૂંટણની ઈજાને કારણે આ સીરિઝમાંથી બહાર થઈ ગયો છે. તેને આ ઇજા જીમ ટ્રેનિંગ દરમિયાન થઈ હતી. તેના સ્કેન પણ થયા હતા, જેમાં લિગામેન્ટમાં ઈજા મળી હતી. જેના કારણે તે આગામી મેચોમાં રમી નહીં શકે.
નીતિશ કુમાર રેડ્ડી બીજી અને ત્રીજી ટેસ્ટમાં પ્લેઇંગ-ઈલેવનનો હિસ્સો હતો. બર્મિંઘમમાં તેનું પ્રદર્શન કંઈ ખાસ નહોતું અને તે માત્ર 2 રન બનાવવામાં સફળ રહ્યો હતો અને તેને આ મેચમાં એક વિકેટ પણ નહોતી મળી, પરંતુ નીતિશે લોર્ડ્સમાં શાનદાર બેટિંગ અને બોલિંગ કરી. તેણે આ મેચમાં 3 મહત્ત્વપૂર્ણ વિકેટ લીધી અને 43 રન પણ બનાવ્યા હતા. હવે જોવાનું એ રહેશે કે તેની જગ્યાએ ટીમમાં કોને સામેલ કરવામાં આવે છે.

