- Sports
- ‘હું તૂટી ગયો હતો’, રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃત્તિ પર તોડ્યું મૌન
‘હું તૂટી ગયો હતો’, રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃત્તિ પર તોડ્યું મૌન
ભારતીય ટીમના દિગ્ગજ ખેલાડી અને પૂર્વ કેપ્ટન રોહિત શર્માએ 2023ના વન-ડે વર્લ્ડ કપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારના દર્દને યાદ કરતા મોટો ખુલાસો કર્યો છે. રોહિતે જણાવ્યું કે તેણે હાર બાદ નિવૃત્તિ લેવાનું પણ વિચાર્યું હતું, કારણ કે તે માનસિક અને શારીરિક રીતે પૂરી રીતે ખાલી અનુભવી રહ્યો હતો.
રોહિત શર્માએ 2023ના વર્લ્ડ કપમાં કેપ્ટન તરીકે ભારતનું શાનદાર નેતૃત્વ કર્યું હતું. અમદાવાદમાં ફાઇનલ સુધી યજમાન ભારતે એક પણ મેચ હારી નહોતી. સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રોહિતે 11 મેચમાં 597 રન બનાવ્યા હતા, તેની સરેરાશ 54.27 અને લગભગ 126ની સ્ટ્રાઇક રેટ રહી હતી.
ફાઇનલમાં ભારતનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થયો, જેણે ભારતીય ટીમ વિરુદ્ધ પોતાની રણનીતિને સારી રીતે અંજામ આપ્યો. ભારતીય ટીમ 50 ઓવરમાં માત્ર 240 રન જ બનાવી શકી હતી. તેના જવાબમાં, ઓસ્ટ્રેલિયાએ ટ્રેવિસ હેડની 120 બોલમાં 137 રનની ઇનિંગને કારણે 6 વિકેટ બાકી રહેતા લક્ષ્ય હાંસલ કર્યું હતું.
એક કાર્યક્રમ દરમિયાન, રોહિત શર્માને હાર બાદ તેની ભાવનાઓ અને પોતાની જાતને સંભાળવા બાબતે સવાલ પૂછવામાં આવ્યો હતો. રોહિત શર્માએ કહ્યું કે, આ હાર તેના માટે વ્યક્તિગત રીતે ખૂબ જ મુશ્કેલ હતી, કારણ કે 2022માં કેપ્ટન બન્યા બાદ તેનું એકમાત્ર લક્ષ્ય ભારતને વર્લ્ડ કપ જીતાડવાનું હતું દરેક ખૂબ જ નિરાશ હતા અને અમને વિશ્વાસ થઈ શકતો નહોતો કે એવું શું થઈ ગયું.. મારા માટે આ વ્યક્તિગત રીતે તે ખૂબ જ મુશ્કેલ સમય હતો, કારણ કે મેં આ વર્લ્ડ કપમાં બધું જ લગાવી દીધું હતું, માત્ર 2-3 મહિના માટે નહીં, પરંતુ 2022માં કેપ્ટન્સી સંભાળ્યા બાદ જ વર્લ્ડ કપ માટે બધુ લગાવી દીધું હતું.’
તેણે આગળ કહ્યું કે, ‘T20 વર્લ્ડ કપ હોય કે 2023 વન-ડે વર્લ્ડ કપ, મારું એકમાત્ર સપનું ટ્રોફી જીતવાનું હતું. જ્યારે આવું ન થયું, ત્યારે હું પૂરી રીતે તૂટી ગયો હતો. મારા શરીરમાં કોઈ ઉર્જા બચી નહોતી. પોતાને સંભાળવા અને ફરીથી ઊભું થવા માટે થોડા મહિના લાગ્યા.’ રોહિત શર્માએ સ્વીકાર્યું કે ભલે તેણે 2024 T20 વર્લ્ડ કપ માટે ઝડપથી પોતાને તૈયાર કરવાની જરૂર હતી, પરંતુ હારનું દર્દ એટલું બધુ હતું કે તેને આપવા માટે કંઈ બચ્યું નહોતું.
તેણે કહ્યું કે, ‘જ્યારે તમે કોઈ વસ્તુમાં આટલું બધું રોકાણ કરો છો અને પરિણામ મળતું નથી, ત્યારે આવી પ્રતિક્રિયા એકદમ સ્વાભાવિક છે. મારી સાથે પણ આવું જ થયું. પરંતુ મને એ પણ ખબર હતી કે જિંદગી અહી જ સમાપ્ત થઇ જતી નથી. તે મારા માટે એક મોટો પાઠ હતો. નિરાશાનો સામનો કેવી રીતે કરવો, પોતાને ફરીથી સેટ કેવી રીતે કરવો અને નવેસરથી શરૂઆત કેવી રીતે કરવાની છે.
મને ખબર હતી કે આગામી મોટું લક્ષ્ય 2024નો T20 વર્લ્ડ કપ હતો, જે અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં થવાનો હતો અને મારે મારું બધું ધ્યાન તેના પર કેન્દ્રિત કરવાનું હતું. આજે કહેવું સરળ છે, પરંતુ તે સમયે તે ખૂબ જ મુશ્કેલ હતું.’ આખરે રોહિત શર્મા માટે બધું યોગ્ય દિશામાં ગયું. તેણે ભારતને 2024ની T20 વર્લ્ડ કપ ફાઇનલ સુધી પહોંચાડી અને ત્યારબાદ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. 2023ની નિરાશાએ જ 2024ની ઐતિહાસિક સફળતાનો પાયો નાખ્યો.

