- Sports
- ઝડપથી મળેલી ખ્યાતિ, પૈસા ક્યાંક સમસ્યા ન બની જાય; વૈભવની હાલત પૃથ્વી શૉ જેવી ન થઈ જાય
ઝડપથી મળેલી ખ્યાતિ, પૈસા ક્યાંક સમસ્યા ન બની જાય; વૈભવની હાલત પૃથ્વી શૉ જેવી ન થઈ જાય
દુબઈમાં ACC મેન્સ અંડર-19 એશિયા કપ 2025ની ફાઇનલ ભારતીય ક્રિકેટ માટે એક અરીસો લઈને આવી... અને તે અરીસામાં ભારતીય ટીમની જે છબી દેખાઈ તે કઈ બહુ સારી ન હતી.
પાકિસ્તાન સામે 191 રનની કારમી હારથી એ સત્યનો પર્દાફાશ થયો કે, જો તૈયારી અપૂરતી હોય અને માનસિકતા કાચી હોય તો પ્રતિભા, રેકોર્ડ અને ગૌરવશાળી ઇતિહાસ મોટી મેચ જીતાડી શકતો નથી.
આ હાર એક ઓવર, એક કેચ કે ખોટા શોટનું પરિણામ નહોતું. તે વ્યૂહરચનાની નિષ્ફળતા, દબાણ હેઠળ બેટિંગનું તૂટી પડવી અને મોટા મંચ પર લેવામાં આવેલા નબળા નિર્ણયોનું એક સંયુક્ત પરિણામ હતું.
...અને આ બધા ઢગલાની વચ્ચે, એક નામ એવું હતું જેના પર અપેક્ષાઓનો ખુબ મોટો ભાર હતો, ચર્ચાની ગરમા ગરમ આગ અને ભારતીય ક્રિકેટના ભવિષ્યની દિશા નક્કી કરવાનું દબાણ સહન કરતું હતું... અને તે નામ છે વૈભવ સૂર્યવંશી.
ભારત અંડર-19 એશિયા કપના ઇતિહાસમાં સૌથી સફળ ટીમ રહી છે. 1989માં શરૂઆત થયેલી આ ટુર્નામેન્ટ ભારતે 8 વખત જીતી છે. આ સમયગાળા દરમિયાન, ટીમ 2012માં પાકિસ્તાન સાથે સંયુક્ત રીતે વિજેતા પણ રહી હતી. આવા ભવ્ય ઇતિહાસ સાથે ફાઇનલ રમવાથી માત્ર સન્માન જ નહીં પણ દબાણ પણ આવે છે. દુબઈમાં ભારતીય ટીમ તે દબાણનો સામનો કરી શકી નહીં.
વૈભવ સૂર્યવંશી આ ટીમનો ચહેરો હતો. UAE સામે 171 રનની તેની વિસ્ફોટક ઇનિંગે તેને ટુર્નામેન્ટનો પોસ્ટર બોય બનાવ્યો. તે ઇનિંગમાં તેનો કુદરતી સ્વભાવ, વિસ્ફોટક શક્તિ અને આત્મવિશ્વાસ સ્પષ્ટપણે દેખાઈ આવતો હતો.
પરંતુ તે જ ઇનિંગે તેની રમતને એક નિશ્ચિત માળખા સુધી મર્યાદિત કરી, ઉચ્ચ ઉદ્દેશ્ય, દરેક બોલ પર એટેક. આ પછી, તે સમગ્ર ટુર્નામેન્ટમાં ફક્ત એક જ વાર 50 રન સુધી પહોંચ્યો, અને તે પણ મલેશિયા જેવા નબળા વિરોધી સામે. ફાઇનલમાં પાકિસ્તાન સામે ટોચના ક્રમમાં તેનું વહેલું આઉટ થવું એ ભારતની હારનું એક મુખ્ય કારણ હતું.
ફાઇનલે આપણને એ પણ દેખાડી દીધું કે, વ્યાવસાયિક ક્રિકેટ ફક્ત તાકાત અને આક્રમકતાની રમત નથી. પરિસ્થિતિઓને અનુરૂપ થવું, સ્ટ્રાઇક ફેરવતા રહેવું અને સમયને અનુરૂપ નિર્ણયો લેવા એ પણ એટલા જ મહત્વપૂર્ણ છે. વૈભવ સામે પાકિસ્તાને આ જ કર્યું, ગુણવત્તાયુક્ત સ્પિન, હાર્ડ લેન્થ અને સિંગલ્સ પર કડક નિયંત્રણ. વૈભવ આ જાળ ભેદી ન શક્યો.
ફાઇનલમાં પાકિસ્તાનના અલી રઝા સાથે થયેલી ગરમાગરમી અને વિરોધી ખેલાડી તરફ તેણે કરેલા 'બુટ બતાવવાના ઇશારા'ને ભાવનાત્મક અપરિપક્વતાના સંકેતો તરીકે વ્યાપકપણે જોવામાં આવ્યા. કાચી પ્રતિભા મેચ જીતી શકે છે, પરંતુ સ્થિર સ્વભાવ જ ચેમ્પિયન બનાવે છે.
વૈભવ ખૂબ જ નાની ઉંમરે રાજસ્થાન રોયલ્સ જેવી IPL ટીમમાં જોડાયો. આટલી ઝડપથી પૈસા, ખ્યાતિ અને ઓળખ મેળવવી આકર્ષક છે, પણ ખતરનાક પણ છે. ઇતિહાસ એવા ખેલાડીઓથી ભરેલો છે જેમણે તેમના ખુબ વહેલી મળેલી મોટી રકમ પછી દિશા ગુમાવી દીધી હતી.
વૈભવે તેના સિનિયર સાથી, યશસ્વી જયસ્વાલના ઉદાહરણમાંથી શીખવું જોઈએ. જયસ્વાલે તેની ઝડપી સફળતા છતાં શિસ્ત અને ધ્યાન જાળવી રાખ્યું. IPL તેના માટે એક પ્લેટફોર્મ છે, કોઈ મુકામ નથી.
વૈભવ સૂર્યવંશી એક કાચો હીરા છે, પરંતુ દરેક હીરાને પોલિશ કરવાની જરૂર છે. આ જવાબદારી ફક્ત તેની જ નથી, કોચ અને માર્ગદર્શકો પણ આ સફરમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. તેમણે ખાતરી કરવી જોઈએ કે તે શીખવાની કળાથી પાછળ ન હટે, પોતાના અનુભવોમાંથી શીખે અને મોટી મેચોમાં સંતુલન બનાવી રાખે.
જો વૈભવ આ બધું પ્રાપ્ત કરી લે છે તો, તેની પ્રતિભા ફક્ત એક ચમકારો જ નહીં પણ એક લાંબા સમયની અસર છોડનારી શક્તિશાળી પ્રતિભા બની જશે.
U-19 એશિયા કપ ફાઇનલમાં મળેલી હાર વૈભવ સૂર્યવંશીની કારકિર્દીની શરૂઆતમાં આવેલી એક ચેતવણી છે, સજા નહીં. તેની પાસે પ્રતિભા પણ છે અને સમય પણ. જો તે આ અનુભવમાંથી શીખે છે, તે તેની રમતમાં સ્થિતિસ્થાપકતા, તેના વર્તનમાં સંયમ અને તેના લક્ષ્યોમાં સ્પષ્ટતા લાવે છે, તો ભવિષ્ય તેની રાહ જોઈ રહ્યું છે.
ભારતીય ક્રિકેટ માટે એક સંદેશ સ્પષ્ટ છે, સ્ટાર્સ બનાવવા સરળ છે, પરંતુ દબાણ હેઠળ ઊભા રહેનારા ચેમ્પિયન બનાવવા વધુ મુશ્કેલ છે.

