- Sports
- રવિચંદ્રન અશ્વિને એવું કેમ કહ્યું કે, 'ક્રિકેટ ફેન્સ T20 વર્લ્ડ કપ નહીં જોશે...'
રવિચંદ્રન અશ્વિને એવું કેમ કહ્યું કે, 'ક્રિકેટ ફેન્સ T20 વર્લ્ડ કપ નહીં જોશે...'
T20 વર્લ્ડ કપ 2026 ફેબ્રુઆરી-માર્ચમાં યોજાવાનો છે. આ વખતે ભારત અને શ્રીલંકા આ ટુર્નામેન્ટનું આયોજન કરશે. જોકે, ભૂતપૂર્વ ભારતીય સ્પિનર અશ્વિને આગામી T20 વર્લ્ડ કપ અંગે ICCને કડક ચેતવણી આપી છે. અશ્વિને ચાહકોની રુચિમાં ઘટાડો થવાની આગાહી કરી હતી. ભારતીય દિગ્ગજ માને છે કે, ટુર્નામેન્ટના વર્તમાન ફોર્મેટ અને સતત એક પછી એક થઇ રહેલા ICC ઇવેન્ટ્સના કારણે આ વખતે દર્શકોનો રસ તેમાંથી ઓછો થઇ શકે છે. અશ્વિને 2024માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.
ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી સ્પિનર રવિચંદ્રન અશ્વિને પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું કે, દર વર્ષે એક મોટી ICC ટૂર્નામેન્ટનું આયોજન કરવાથી તેનું મહત્વ ઘટી રહ્યું છે. તેણે તેની સરખામણી ફૂટબોલમાં FIFA વર્લ્ડ કપ સાથે કરી, જે દર ચાર વર્ષે યોજાય છે અને સમગ્ર વિશ્વ તેની રાહ જોઈ રહ્યું હોય છે. અશ્વિને કહ્યું, 'આ વખતે કોઈ ICC T20 વર્લ્ડ કપ જોવાનું નથી. ભારત વિરુદ્ધ USA અથવા ભારત વિરુદ્ધ નામિબિયા જેવી મેચો દર્શકોને વર્લ્ડ કપથી દૂર લઇ જશે.' પહેલા વર્લ્ડ કપ ચાર વર્ષે એક વાર યોજાતો હતો, જેના કારણે લોકોમાં ઉત્સુકતા જીવંત રહેતી હતી. પહેલા રાઉન્ડમાં, ભારત ઇંગ્લેન્ડ અથવા શ્રીલંકા જેવી ટીમોનો સામનો કરતું હતું, જે ઘણું રોમાંચક હતું.'
અશ્વિને ટુર્નામેન્ટના વિસ્તરણ અને ગ્રુપ સ્ટેજમાં નબળી ટીમોના સમાવેશ પર પણ પ્રશ્ન ઉઠાવ્યો. તેનું માનવું છે કે, ટોચની ટીમો અને એસોસિએટ રાષ્ટ્રો વચ્ચે રમતના સ્તરમાં નોંધપાત્ર અંતર છે. એકતરફી મેચના કારણે ટુર્નામેન્ટની શરૂઆતમાં જ કંટાળો આવી શકે છે, જેની સીધી અસર દર્શકો પર પડે છે.
તેણે કહ્યું, 'ODI ફોર્મેટ હવે બિનજરૂરી જેવું બની ગયું છે, અને ICC એ વર્લ્ડ કપનું આયોજન કેવી રીતે થઈ રહ્યું છે તેના પર ધ્યાન આપવાની જરૂર છે. દર વર્ષે, આવક માટે ICC ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. FIFA જુઓ. ત્યાં વિવિધ લીગ છે, અને વર્લ્ડ કપ દર ચાર વર્ષે એક વાર યોજાય છે. તેથી, વર્લ્ડ કપનું પોતાનું મહત્વ બની રહે છે.' અશ્વિને ઉમેર્યું, 'ઘણી બધી વધારાની દ્વિપક્ષીય શ્રેણી, ઘણા બધા ફોર્મેટ અને ઘણા બધા વર્લ્ડ કપ, આ બધું જ અતિશય બની ગયું છે.'
2010થી, ICC ઇવેન્ટ્સ લગભગ દર વર્ષે યોજાઈ રહી છે. આ ફક્ત 2018માં જ આવું નહોતું બન્યું. COVID-19 રોગચાળાને કારણે T20 વર્લ્ડ કપ 2020માં ન રમાડીને તેને 2021માં ખસેડવામાં આવ્યો અને પછી 2022માં ફરીથી રમાડવામાં આવ્યો. ODI વર્લ્ડ કપ 2023માં યોજાયો હતો, ત્યારપછી 2024માં T20 વર્લ્ડ કપ થયો. ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં યોજાઈ હતી, અને હવે T20 વર્લ્ડ કપ 2026માં યોજાશે, ત્યારપછી 2027માં ODI વર્લ્ડ કપ રમાડવામાં આવશે.

