- World
- ભારતે બદલો લેવા પાકિસ્તાનના ખાસ દોસ્તને SCOનું સભ્ય બનવા ન દીધું...
ભારતે બદલો લેવા પાકિસ્તાનના ખાસ દોસ્તને SCOનું સભ્ય બનવા ન દીધું...
શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના પૂર્ણ સભ્યપદ માટેના અઝરબૈજાનના સપના ચકનાચૂર થઈ ગયા છે. ત્યારપછી અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલ્હામ અલીયેવે ભારત પર શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)માં તેનું પૂર્ણ સભ્યપદ રોકવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે દાવો કર્યો છે કે, ભારતે પાકિસ્તાન સાથે અઝરબૈજાનની ગાઢ મિત્રતાની ઈર્ષ્યાને કારણે આ પગલું ભર્યું છે. આ નિવેદન 1 સપ્ટેમ્બરના રોજ તિયાનજિનમાં યોજાયેલી SCO સમિટ દરમિયાન બહાર આવ્યું હતું, જ્યાં અલીયેવે પાકિસ્તાનના PM શાહબાઝ શરીફને મળ્યા હતા.
અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલ્હામ અલીયેવે SCO સમિટ 2025માં ભારત પર આકરા પ્રહારો કર્યા હતા. પાકિસ્તાનના PM શાહબાઝ શરીફ સાથેની મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે, 'ભારત વારંવાર અમારી SCO સભ્યપદને અવરોધી રહ્યું છે. આ બધું પાકિસ્તાન સાથેની અમારી મિત્રતાને કારણે છે. ભારત આંતરરાષ્ટ્રીય મંચો પર અમારી સામે તેની દુશ્મનાવટ નીકાળી રહ્યું છે.' અઝરબૈજાની મીડિયાનો ઉલ્લેખ કરીને આ સમાચાર પ્રકાશમાં આવ્યા છે. અઝરબૈજાની ન્યૂઝ પોર્ટલ અનુસાર, રાષ્ટ્રપતિ ઇલ્હામ અલીયેવે તિયાનજિનમાં SCO સમિટ દરમિયાન ભારત પર બદલો લેવાનો આરોપ લગાવ્યો છે.
અલીયેવે સ્પષ્ટપણે કહ્યું હતું કે, ભારતના વિરોધ છતાં, અઝરબૈજાન પાકિસ્તાન સાથેના તેના સંબંધોને વધુ મજબૂત બનાવશે. તેમણે એપ્રિલ-મે 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે લશ્કરી તણાવનો ઉલ્લેખ કર્યો હતો, જ્યારે અઝરબૈજાને ખુલ્લેઆમ પાકિસ્તાનને ટેકો આપ્યો હતો. PM શાહબાઝ શરીફે આ માટે અઝરબૈજાનનો આભાર માન્યો હતો અને બંને દેશો વચ્ચેના ભાઈચારાની પ્રશંસા કરી હતી. કાશ્મીર મુદ્દા પર અઝરબૈજાનનું પાકિસ્તાનને સમર્થન અને ચીનના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ (BRI)માં તેની ભાગીદારી ભારત માટે ચિંતાના મુખ્ય કારણો છે.
SCOએ ભારત, પાકિસ્તાન, ચીન, રશિયા અને મધ્ય એશિયાઈ દેશોનો સમાવેશ કરતું એક મુખ્ય પ્રાદેશિક સંગઠન છે. અઝરબૈજાન હાલમાં 'સંવાદ ભાગીદાર' છે અને લાંબા સમયથી પૂર્ણ સભ્યપદની માંગ કરી રહ્યું છે. પરંતુ ભારતે તેનો વિરોધ કર્યાના અહેવાલ છે. નિષ્ણાતો કહે છે કે, ભારત પાકિસ્તાન અને તુર્કી સાથે અઝરબૈજાનના વ્યૂહાત્મક જોડાણથી નારાજ છે. ખાસ કરીને, કાશ્મીર પર અઝરબૈજાનનું પાકિસ્તાન તરફી વલણ અને BRI પ્રોજેક્ટ્સમાં તેની ભાગીદારી ભારત માટે ચિંતાનું કારણ છે.
ભારત માને છે કે, પાકિસ્તાન અને તુર્કી સાથે અઝરબૈજાનનું જોડાણ તેની પ્રાદેશિક સુરક્ષા માટે ખતરો ઉભો કરી શકે છે. કાશ્મીર મુદ્દા પર અઝરબૈજાનનું વલણ અને BRIમાં તેની ભાગીદારી ભારતને ચિંતામાં મૂકે છે, કારણ કે BRIનો એક ભાગ પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (PoK)માંથી પસાર થાય છે. ભારતે SCOમાં તેની મજબૂત સ્થિતિનો ઉપયોગ અઝરબૈજાનના માર્ગમાં અવરોધો ઉભા કરવા માટે કર્યો છે.

