- World
- કંપનીએ પાકિસ્તાનમાં પોતાનો ધંધો બંધ કર્યો, લોકો શેમ્પૂ, સાબુ અને રેઝર માટે વલખા મારે છે!
કંપનીએ પાકિસ્તાનમાં પોતાનો ધંધો બંધ કર્યો, લોકો શેમ્પૂ, સાબુ અને રેઝર માટે વલખા મારે છે!
વિશ્વના 57 ઇસ્લામિક દેશોનું નેતૃત્વ કરવાનું સ્વપ્ન જોતી પાકિસ્તાનમાં બજારની સ્થિતિ એવી છે કે, બહુરાષ્ટ્રીય કંપનીઓ હવે તે દેશમાં તેમના કામકાજ બંધ કરી રહી છે. બહુરાષ્ટ્રીય કંપનીઓએ પાકિસ્તાનમાં વ્યવસાયને પડકારજનક ગણાવ્યો છે અને ત્યાં તેમના પ્લાન્ટ બંધ કરી રહી છે. શેમ્પૂ, સાબુ અને રેઝરના વૈશ્વિક ઉત્પાદક પ્રોક્ટર એન્ડ ગેમ્બલ (P&G)એ પાકિસ્તાનમાં પોતાનો વ્યવસાય બંધ કરી દીધો છે.
અમેરિકન કંપની P&Gએ આને તેના વૈશ્વિક પુનર્ગઠન કાર્યક્રમના ભાગ રૂપે વર્ણવ્યું છે. P&Gએ એપ્રિલ 2025માં વૈશ્વિક સ્તરે પુનર્ગઠનની જાહેરાત કરી હતી, જેમાં પડકારજનક બજારોમાંથી બહાર નીકળવાનો સમાવેશ થાય છે. એમાં પાકિસ્તાનને આવા જ એક બજાર તરીકે પસંદ કરવામાં આવ્યું હતું.
પાકિસ્તાનના DyPM, ઇશાક ડાર, જે દેશની સુરક્ષા વિશે મોટી મોટી ફક્ત વાતો જ કરે છે, તેમણે શુક્રવારે સંસદમાં જણાવ્યું હતું કે, ઘણા ઇસ્લામિક દેશોએ પાકિસ્તાન-સાઉદી અરેબિયા સુરક્ષા કરારમાં જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી છે, અને જો આવું થાય, તો પાકિસ્તાન વિશ્વના 57 ઇસ્લામિક દેશોનું નેતૃત્વ કરશે.
પાકિસ્તાનની આર્થિક સ્થિતિનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે, સપ્ટેમ્બર 2025માં દેશની વેપાર ખાધ વધીને 3.34 બિલિયન US ડૉલર થઈ ગઈ, જે પાછલા વર્ષની સરખામણીમાં 46 ટકાનો વધારો દર્શાવે છે. પાકિસ્તાનમાં આયાત સતત વધી રહી છે, જ્યારે નિકાસ ઘટી રહી છે.
P&Gએ પાકિસ્તાનમાં તેના રેઝર ડિવિઝન, Gillette Pakistan સહિત તમામ ઉત્પાદન અને વ્યાપારી પ્રવૃત્તિઓ સ્થગિત કરી દીધી છે. આ કંપનીના બંધ થઇ ગયા પછી, ઘણા પાકિસ્તાનીઓએ સોશિયલ મીડિયા પર સાબુ અને વ્યક્તિગત સંભાળ જેવી આવશ્યક વસ્તુઓની અછત અંગે ચિંતા વ્યક્ત કરી છે.
ક્રિકેટ અને વ્યવસાયમાં સતત પાછળ ધકેલાતા પાકિસ્તાનીઓને હવે ડર છે કે P&Gના આ પગલાથી તેમના સારસંભાળ અને જીવન જરૂરી વસ્તુઓના ઉદ્યોગો પર પણ અસર પડી શકે છે.
આ વિકાસથી નિરાશ થઈને, લાહોરના એક વપરાશકર્તાએ લખ્યું, 'મને P&Gના આ મુવમેન્ટની સમજ નથી પડતી. 240 મિલિયન પાકિસ્તાનીઓને હજુ પણ સાબુ, ડિટર્જન્ટ અને શેવિંગ ક્રીમની જરૂર છે. અરે યાર, આનો કોઈ અર્થ નથી.'
પ્રોક્ટર એન્ડ ગેમ્બલે 1991માં પાકિસ્તાની બજારમાં પ્રવેશ કર્યો અને ઝડપથી પાકિસ્તાનની ટોચની ગ્રાહકોને સારી વસ્તુઓ પહોંચાડતી કંપનીઓમાંની એક બની ગઈ. પ્રોક્ટર એન્ડ ગેમ્બલના ઉત્પાદનોએ ગ્રાહકોને તેમના પોષણક્ષમ ભાવ અને વિશાળ શ્રેણીથી આકર્ષ્યા હતા.
હેડ એન્ડ શોલ્ડર્સ, પેન્ટીન, ટાઇડ, ઓરલ-B, જીલેટ, ઓલ્ડ સ્પાઇસ અને એરિયલ જેવા બ્રાન્ડ્સ ઝડપથી ઘરે ઘરે પ્રખ્યાત થઈ ગયા.
પાકિસ્તાની બજારમાંથી બહુરાષ્ટ્રીય કંપનીઓના અચાનક બહાર નીકળવાથી પાકિસ્તાનીઓને ચિંતા છે કે બજાર હવે સસ્તા અને હલકી ગુણવત્તાવાળા વિકલ્પોથી ભરાઈ જશે.
ઇસ્લામાબાદના એન્જિનિયર જાવેદ ઇકબાલે દુ:ખ વ્યક્ત કર્યું કે, તેમને છેલ્લા ત્રણ મહિનાથી બજારમાં તેમનો મનપસંદ જીલેટ રેઝર મળી રહ્યો નથી. ઇકબાલે ટ્વિટ કર્યું, 'મેં હંમેશા શેવિંગ માટે જીલેટ બ્લુ 3 રેઝરનો ઉપયોગ કર્યો છે, પરંતુ છેલ્લા ત્રણ મહિનાથી મને તે બજારમાં (ઇસ્લામાબાદ) મળી રહ્યો નથી. તે સારી ગુણવત્તાનું છે, અને એકમાત્ર વિકલ્પ ટ્રીટ છે, જે તેના કરતા ઘણું ખરાબ છે.'
બીજા એક યુઝરે કહ્યું કે, પાકિસ્તાનમાં ચાઇનીઝ ઉત્પાદનોના પ્રવેશથી જીલેટ, પેમ્પર્સ, સાબુ અને P&G બ્યુટી પ્રોડક્ટ્સ સંપૂર્ણપણે ખતમ થઈ ગયા છે. હિના સફીએ સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી વ્યક્ત કરી, આશ્ચર્ય વ્યક્ત કર્યું કે પાકિસ્તાની નાગરિકો P&G દ્વારા વેચાતા સામાન્ય ઘરગથ્થુ ઉત્પાદનો કેવી રીતે મેળવી શકશે.
તેણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, 'તો, શું હવે આપણે એરિયલ, સેફગાર્ડ, વિક્સ, પેમ્પર્સ, ઓલવેઝ, પેન્ટીન અને ત્યાં સુધી કે, હેડ એન્ડ શોલ્ડર્સ પણ આયાત કરવા પડશે, કારણકે P&G પાકિસ્તાન છોડી રહ્યું છે?'
બીજા એક યુઝરે પાકિસ્તાનીઓની લાચારીની મજાક ઉડાવી. આ વ્યક્તિએ પોસ્ટમાં લખ્યું, 'પ્રોક્ટર એન્ડ ગેમ્બલના પ્રવક્તા: પાકિસ્તાનીઓ સ્નાન કરતા નથી, તેઓ કપડાં પણ ઓછા ધોવે છે, અને આનાથી તેમના વ્યવસાય પર અસર પડી રહી છે!'
જોકે, P&Gએ જતા પહેલા પાકિસ્તાનીઓ માટે કામચલાઉ વ્યવસ્થા કરી છે. P&Gએ જણાવ્યું છે કે, તેના કેટલાક ઉત્પાદનો ત્રીજા-પક્ષ વિતરકો દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
જીલેટ પાકિસ્તાનના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ સાદ અમાનુલ્લાહ ખાને એક સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે, 'મને આશા છે કે તેમનું આ પલાયન થવું શાસકોને અહેસાસ કરાવશે કે બધું બરાબર નથી.' તેમણે સમજાવ્યું કે, વીજળીના ઊંચા ખર્ચ, ખરાબ માળખાગત સુવિધાઓ અને આર્થિક પડકારો પાકિસ્તાનમાંથી બહુરાષ્ટ્રીય કંપનીઓના વિદાય પાછળના મૂળભૂત કારણો છે.
છેલ્લા બે વર્ષમાં, શેલ, ફાઇઝર, ટોટલ એનર્જી, માઇક્રોસોફ્ટ અને ટેલિનોર જેવી ટોચની કંપનીઓએ પાકિસ્તાનમાંથી પોતાનું કામ પાછું ખેંચી લીધું છે.

