- World
- પાકિસ્તાની આર્મી ચીફ આસીમના લવારા ફરી ચાલુ, બોલ્યો- 'કાશ્મીરી ભાઈઓનું બલિદાન... ખૂબ જ ખરાબ પરિણામો,'...
પાકિસ્તાની આર્મી ચીફ આસીમના લવારા ફરી ચાલુ, બોલ્યો- 'કાશ્મીરી ભાઈઓનું બલિદાન... ખૂબ જ ખરાબ પરિણામો,'
પાકિસ્તાનના આર્મી ચીફ આસીમ મુનીરે આ વર્ષે એપ્રિલમાં કાશ્મીરને પાકિસ્તાનની ગળાની નસ ગણાવ્યું હતું. આ પછી પહેલગામ હુમલો થયો. હવે ઓપરેશન સિંદૂર પછી, આસીમ મુનીરે ફરીથી પોતાના ગંદા ઇરાદાઓ જાહેર કર્યા છે. તેણે પાકિસ્તાન નૌકાદળની પાસિંગ આઉટ પરેડ દરમિયાન ફરીથી કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો. આસીમ મુનીરે કહ્યું કે, જો દુશ્મન તણાવ વધારશે તો તેના સમગ્ર ક્ષેત્રમાં ખૂબ જ ખરાબ પરિણામો આવી શકે છે અને દુશ્મન તેના માટે જવાબદાર રહેશે.
કાશ્મીરમાં પાકિસ્તાની આતંકવાદને કાશ્મીરીઓની લડાઈ ગણાવતા, આસીમ મુનીરે કહ્યું કે 'હમણાં આપણે ભારત સામે લડી રહેલા આપણા કાશ્મીરી ભાઈઓના બલિદાનને યાદ રાખવું જોઈએ.'
પહલગામ હુમલા પછી ભારતની બદલો લેવા માટે શરૂ કરાયેલા ઓપરેશન સિંદૂરમાં ખરાબ રીતે પરાજિત થયા પછી, આસીમ મુનીર ફરી એકવાર પાકિસ્તાનીઓને કાશ્મીર અને યુદ્ધનું ચૂરણ વેચી રહ્યો છે.
પાકિસ્તાનમાં ચાલી રહેલા આતંકવાદ અને અસંતોષ માટે અસીમ મુનીરે ભારતને દોષી ઠેરવ્યું અને કહ્યું કે, પાકિસ્તાન તેની ધરતી પરથી આતંકવાદને નાબૂદ કરવાની નજીક છે પરંતુ ભારત જાણી જોઈને આ ક્ષેત્રમાં આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે.
કાશ્મીર મુદ્દો ઉઠાવતા, અસીમ મુનીરે કહ્યું, 'આવા સમયે, આપણે આપણા કાશ્મીરી ભાઈઓના બલિદાનને યાદ રાખવું જોઈએ, જેઓ ભારતના ગેરકાયદેસર કબજા સામે સંઘર્ષ કરી રહ્યા છે.'
કાશ્મીરમાં આતંકવાદીઓની પ્રવૃત્તિઓનો ઉલ્લેખ કર્યા વિના, અસીમ મુનીરે પાકિસ્તાનની કથિત ઉદારતા વ્યક્ત કરી. તેણે કહ્યું કે, 'પાકિસ્તાન UNના ઠરાવો અને કાશ્મીરી લોકોની આકાંક્ષાઓ અનુસાર કાશ્મીર મુદ્દાના ન્યાયી ઉકેલનો મજબૂત સમર્થક છે.'
કાશ્મીર મુદ્દાના 'ન્યાયી અને શાંતિપૂર્ણ ઉકેલ' સાથે પ્રદેશની શાંતિને જોડીને, અસીમ મુનીરે ખુલાસો કર્યો કે, સમગ્ર પ્રદેશમાં 'અશાંતિ' અને 'હિંસા' માટે કોણ જવાબદાર છે.
અસીમ મુનીરે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા અથડામણનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, આ સમયગાળા દરમિયાન પાકિસ્તાને સંયમ અને પરિપક્વતા દર્શાવી.
તેણે પહેલગામ હુમલાનો ઉલ્લેખ ન કર્યો અને ભારતની કાર્યવાહીનો જોરશોરથી પ્રચાર કર્યો, 'ભારતે પાકિસ્તાન સામે ઉશ્કેરણીજનક કાર્યવાહી કરી. પાકિસ્તાને તેનો કડક જવાબ આપ્યો. આનાથી આપણા રાષ્ટ્રીય સન્માનનું રક્ષણ થયું એટલું જ નહીં પરંતુ પ્રદેશમાં મોટો તણાવ પણ ટળી ગયો.' અસીમ મુનીરે કહ્યું કે, ઉશ્કેરણી છતાં, પાકિસ્તાને સંયમ અને પરિપક્વતા સાથે કાર્ય કર્યું અને પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. તેણે પાકિસ્તાનને પ્રદેશમાં શાંતિ નિર્માતા ગણાવ્યું.
પાકિસ્તાનના આર્મી ચીફે કહ્યું કે, તાજેતરના વર્ષોમાં, ભારતે પાકિસ્તાન સામે બે વાર ઉશ્કેરણી વિના આક્રમક કાર્યવાહી કરી છે, જેનો અમે કડક જવાબ આપ્યો છે. તેણે કહ્યું, 'ગંભીર ઉશ્કેરણી છતાં, પાકિસ્તાને સંયમ અને પરિપક્વતા સાથે કાર્ય કર્યું અને પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી, જેના કારણે તે પ્રદેશમાં શાંતિ નિર્માતા તરીકે પોતાની ભૂમિકા ભજવી શક્યો.'
ભારતનું નામ લીધા વિના યુદ્ધની ધમકી આપતા, અસીમ મુનીરે કહ્યું કે, જો કોઈ પણ દુશ્મન પાકિસ્તાન પર એવું વિચારીને નજર નાખે છે કે, તેને કોઈ જવાબ મળશે નહીં અને આપણે આપણી પોતાની સમસ્યાઓથી ઘેરાયેલા છીએ, તો તે તેની ભૂલ હશે. તેને યોગ્ય જવાબ મળશે.
અસીમ મુનીરે ગંભીર ધમકી આપી અને કહ્યું કે, આ વિસ્તારમાં તણાવ વધારવાની જવાબદારી દુશ્મન પર રહેશે, જેના પરિણામે સમગ્ર ક્ષેત્રમાં ખૂબ જ ખરાબ પરિણામો આવી શકે છે. પાક આર્મી ચીફે કહ્યું કે, પાકિસ્તાન તેની સાર્વભૌમત્વનું નિર્ણાયક અને ખચકાટ વિના રક્ષણ કરશે.
પાકિસ્તાનના આર્મી ચીફે ઓપરેશન સિંદૂરમાં ભારતના મોટા હુમલાને છુપાવતા, બડાઈ મારી અને કહ્યું કે, ભારત માર્ક-એ-હકની સફળતાને ક્યારેય ભૂલી શકશે નહીં.
પાકિસ્તાનમાં 'મુલ્લા જનરલ' તરીકે ઓળખાતા આસીમ મુનીરે ફરી એકવાર ધાર્મિક પંક્તિઓ વાંચી અને કહ્યું કે, નાની તાકતોએ ઘણીવાર મોટી તાકતોને હરાવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પહેલગામ હુમલાના જવાબમાં, ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું અને પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં નવ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. આ પછી, ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના 11 એરબેઝનો નાશ કર્યો. આ ઓપરેશનમાં પાકિસ્તાનના 160થી વધુ લોકો માર્યા ગયા.

