- World
- ખૂલી ગયું એલન મસ્કનું રહસ્ય, આ કારણે બનાવી રાજકીય પાર્ટી; ટ્રમ્પે જણાવ્યું અસલી કારણ
ખૂલી ગયું એલન મસ્કનું રહસ્ય, આ કારણે બનાવી રાજકીય પાર્ટી; ટ્રમ્પે જણાવ્યું અસલી કારણ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અબજપતિ એલન મસ્કની નવી રાજનીતિક પાર્ટી બનાવવાના પગલાને હાસ્યાસ્પદ ગણાવ્યું છે. ટ્રમ્પે કહ્યું કે, તેઓ પૂરી રીતે બેકાબૂ થઈ ગયા છે. એક સમયે ટ્રમ્પના ખૂબ ખાસ રહેલા મસ્કે શનિવારે ‘અમેરિકા પાર્ટી’ નામની નવી રાજનીતિક પાર્ટી બનાવવાની જાહેરાત કરી હતી. તેમણે X પર એક પોસ્ટમાં કહ્યું હતું કે, ‘તેમણે અમેરિકામાં બે-પક્ષીય પ્રણાલીને પડકારવા માટે અમેરિકા પાર્ટીની સ્થાપના કરી છે. તેમની પાર્ટી રિપબ્લિકન અને ડેમોક્રેટિક પાર્ટીઓને પડકાર આપશે.'
રાષ્ટ્રપતિ ટ્રમ્પે રવિવારે મસ્કના આ પગલા પર તીખી પ્રતિક્રિયા આપી હતી. તેમણે એરફોર્સ વનમાં સવાર થતા પહેલા પત્રકારોને કહ્યું હતું કે, ‘મને લાગે છે કે ત્રીજી પાર્ટી બનાવવી મૂર્ખતા છે. હંમેશાં બે-પક્ષીય પ્રણાલી રહી છે અને ત્રીજો પક્ષ શરૂ કરવાથી મૂંઝવણ વધે છે.' આ અગાઉ ટ્રમ્પે તેમના ઇન્ટરનેટ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ સોશિયલ પર કહ્યું હતું કે, 'એ જોઈને દુઃખ થાય છે કે એલન મસ્ક પૂરી રીતે કાબૂ બહાર થઈ ગયા છે. મસ્ક ત્રીજી રાજનીતિક પાર્ટી શરૂ કરવા માગે છે, જ્યારે આવી પાર્ટીઓ અમેરિકામાં ક્યારેય સફળ થઈ નથી. ત્રીજી પાર્ટીનું એક જ કામ હોય છે પૂરી રીતે અવ્યવસ્થા અને અરાજકતા પેદા કરવાનું.
ટ્રમ્પે દાવો કર્યો હતો કે ટેસ્લાના CEO મસ્કની આ રાજનીતિક પહેલ ઇલેક્ટ્રિક વાહનોની ખરીદીને પ્રોત્સાહન આપતી સબસિડી નાબૂદ કરવાની તેમની યોજનાથી ઉદ્ભવેલી નારાજગીને કારણે છે. ટ્રમ્પે એવો પણ આરોપ લગાવ્યો હતો કે મસ્કે પોતાના મિત્ર જેરેડ આઇઝેકમેનને NASAના પ્રશાસકના રૂપમાં નોમિનેટ કરવાનું કહીને અયોગ્ય પ્રભાવ નાખવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે મસ્કે ટ્રમ્પ પ્રશાસનમાં સરકારી પદ છોડ્યું, ત્યારે આઇઝેકમેનનું નોમિનેશન પણ પાછું લઈ લેવામાં આવ્યું.
મે મહિનામાં મસ્કે ટ્રમ્પના ‘બિગ બ્યૂટીફુલ બિલ’ની ખુલ્લેઆમ ટીકા કરી હતી, ત્યારબાદ બંને વચ્ચે મતભેદો ખૂલીને સામે આવ્યા. ત્યારબાદ મસ્કે ટ્રમ્પના સરકારી કાર્યક્ષમતા વિભાગના પ્રમુખ પદ પરથી રાજીનામું આપી દીધું. પછી મામલો થોડા સમય માટે શાંત રહ્યો, પરંતુ આ બિલને લઈને બંને વચ્ચે ફરીથી વાકયુદ્ધ શરૂ થયું.
મસ્કે બિલનું સમર્થન કરનારા સાંસદોને ચેતવણી આપી તો ટ્રમ્પે કહ્યું કે સબસિડી વિના, એલનને કદાચ પોતાની દુકાન બંધ કરીને દક્ષિણ આફ્રિકા જવું પડી શકે છે. ગયા વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન બંને નજીક આવ્યા હતા અને તેમની મિત્રતા એટલી ગાઢ બની ગઈ હતી કે ટ્રમ્પે રાષ્ટ્રપતિ બન્યા બાદ તેમને સરકારી કાર્યક્ષમતા વિભાગના પ્રમુખ બનાવી દીધા. મસ્કે ટ્રમ્પની રાષ્ટ્રપતિ પદની ઉમેદવારીને સમર્થન કરવા માટે 30 કરોડ ડોલરનું યોગદાન આપ્યું હતું.

