- Business
- નવરાત્રિ જ કેમ, GST સુધારાની જાહેરાત માટે મોદી સરકારે દિવાળીની રાહ કેમ ન જોઈ? આ કારણ હોય શકે
નવરાત્રિ જ કેમ, GST સુધારાની જાહેરાત માટે મોદી સરકારે દિવાળીની રાહ કેમ ન જોઈ? આ કારણ હોય શકે
કેન્દ્ર સરકારે 22 સપ્ટેમ્બરથી લાગૂ થનારા GST દરોમાં મોટો ઘટાડો કરવાના નિર્ણયને અર્થશાસ્ત્રીઓ અને રાજનીતિક નિરીક્ષકો બંને દ્વારા મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારની એક એવી પહેલ બતાવવામાં આવી રહી છે, જે ન માત્ર વપરાશ અને સાર્વજનિક ખર્ચને પ્રોત્સાહન આપશે, પરંતુ આગામી વિધાનસભાની ચૂંટણીઓ અગાઉ સામાન્ય લોકો માટે એક મોટી ભેટ પણ સાબિત થશે.
સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ તહેવારોની મોસમમાં ગ્રાહક ખર્ચ રેકોર્ડ સ્તરે પહોંચવાની અપેક્ષા છે. GST ઘટાડો નવરાત્રિના પહેલા દિવસથી એટલે કે 22 સપ્ટેમ્બરથી અમલમાં આવશે, જે દિવાળી (20 ઓક્ટોબર)થી લગભગ એક મહિના પહેલા છે. તેનાથી ગ્રાહકો ખરીદી ટાળવાની જગ્યાએ વધારશે. બજેટમાં નવી ટેક્સ સિસ્ટમ હેઠળ આવકવેરામાં આપવામાં આવેલી રાહત બાદ આ વર્ષે સામાન્ય જનતાને સરકાર તરફથી આપવામાં આવેલી આ બીજી મોટી ભેટ છે.
4 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી
ભાજપ આગામી બિહાર, પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ અને તામિલનાડુની ચૂંટણીમાં આ પગલાને પોતાના પ્રચાર અભિયાનનો મહત્ત્વપૂર્ણ હિસ્સો બનાવવા જઈ રહી છે. પાર્ટી એ વાત પર ભાર મૂકશે કે મોદી સરકારે સામાન્ય લોકોના ખિસ્સામાં વધુ પૈસા છોડ્યા છે અને તેમની ખરીદ શક્તિ વધારી છે. જાણકારોનું કહેવું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસના ભાષણમાં GST દરોના સરળીકરણને દિવાળીની ભેટ ગણાવી હતી, પરંતુ સરકાર જાણતી હતી કે જો આ ઘટાડો દિવાળી અગાઉ કરવામાં આવે તો ગ્રાહકો તેમની ખરીદી ટાળી શકે છે. એટલે તેને સમય પહેલા લાગૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.
નવા દરો હેઠળ દૈનિક જરૂરિયાતની મોટાભાગની વસ્તુઓ પર GST ઘટાડીને 5% કરી દેવામાં આવી છે અથવા શૂન્ય. હવે મેડિકલ અને લાઈફ ઇન્શ્યોરન્સ પોલિસી પર કોઈ GST નહીં લાગે. ઉપરાંત, જીવન રક્ષક દવાઓ અને મોટાભાગની દવાઓ પરના ટેક્સ દર ઘટાડવામાં આવ્યા છે. જેથી સામાન્ય માણસને સીધી રાહત મળશે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે બુધવારે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, UPA સરકાર GST લાગૂ કરી શકી નહોતી કારણ કે રાજ્યોને કેન્દ્ર પર વિશ્વાસ નહોતો. તેમણે કહ્યું કે, ‘કોંગ્રેસે નક્કી કરવું પડશે કે તે આ ઘટાડાને સમર્થન આપવા માગે છે કે વિરોધ કરે છે. જો તેઓ વિરોધ કરે છે, તો તેમની વાસ્તવિકતા જનતા સામે આવી જશે.’ ભાજપને આશા છે કે કોંગ્રેસની ટીકા જનતાની નજરમાં તેને એન્ટી પબ્લિક’ સાબિત કરશે, જ્યારે મોદી સરકારનું આ પગલું ચૂંટણી ક્ષેત્રમાં પાર્ટી માટે સકારાત્મક માહોલ બનાવશે.

