- Gujarat
- ગુજરાતના ભાજપના ધારાસભ્યએ પોતાની જ પાર્ટીના કાર્યકરોને ગદ્દાર કેમ કહ્યા?
ગુજરાતના ભાજપના ધારાસભ્યએ પોતાની જ પાર્ટીના કાર્યકરોને ગદ્દાર કેમ કહ્યા?
ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી કહેવામાં આવે છે, પરંતુ રાજનીતિમાં ક્યારે ઉથલ-પાથલ થાય, ક્યારે કોના પર પ્રહાર થાય, ક્યારે આરોપ-પ્રત્યારોપ થાય તે નક્કી હોતું નથી. અત્યારે ડભોઈ APMCમાં ચૂંટણી માથે છે, ત્યારે ધારાસભ્ય શૈલેષ સોટ્ટા (મહેતા)એ સ્નેહમિલન કાર્યક્રમમાં વિરોધીઓને મદદ કરતા ભાજપના જ કાર્યકરોને ગદ્દાર કહી દીધા. આટલું જ નહીં, તેમણે ચેલેન્જ આપ્યું કે, એક પણ સીટ જીતાડી બતાવે. સાથે તેમના નામ પણ તેઓની પાસે આવી ગયા છે અને ચૂંટણી બાદ ખબર પડશે કે ભાજપ વિરૂદ્ધ જઈને શું મળ્યું?
આ અંગે શૈલેષ સોટ્ટાએ જણાવ્યું હતું કે, જ્ઞાતિવાદ જે લોકો ચલાવતા હતા તે બધા લોકોએ હારવું પડ્યું છે. અત્યારે નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં પણ ભાજપનું શાસન છે અને APMCમાં પણ કાલે ભાજપનું શાસન આવવાનું છે. ફોર્મ ભરાઈ ગયા છે અને ફોર્મ ખેંચવાની અંતિમ તારીખ છે, ત્યારે આપણી 6 સીટો તો બિન-હરીફ જાહેર થવાની છે. શરૂઆતથી અત્યાર સુધી APMCમાં ભાજપનો એકપણ સભ્ય આવ્યો નથી અને આ વખતે મને જવાબદારી આપવામાં આવી છે અને મેં જવાબદારી લીધી છે કે, આ વખતે અહીં ભાજપનું શાસન આવશે.

વધુમાં કહ્યું કે, જે લોકોએ સામે ફોર્મ ભર્યા છે તે આપણે બધા જાણીએ છીએ. આપણા જ કેટલાક લોકો તેમને મદદ કરી રહ્યા છે, તેમના નામ પણ છે. 10 તારીખે ચૂંટણી થશે અને 11 તારીખે તેમને ખબર પડશે ભાજપ વિરુદ્ધ જઈને શું મળ્યું? હું આવ્યો ત્યારથી કહું છું કે આ કેસરિયો ખેસ મારા પર ન હોય તો તેની કોઈ કિંમત નથી. અને જે લોકો પોતાની જાતને કંઈક અલગ સમજે છે અને ગદ્દારી કરવા નિકળ્યા છે, તેમને અહીથી હું ચેલેન્જ આપું છું કે તમારી એક સીટ જીતાડીને બતાવો. ડભોઇ APMCમાં સોળે સોળ સીટ ભાજપ જીતવાની છે. આ તમામ સીટ જીતીને APMCમાં રાજ કરીશું. આગામી ચૂંટણીઓમાં પણ ભાજપ જીતશે.
ધારાસભ્યના આ નિવેદન બાદ ભાજપ જિલ્લા પ્રમુખ રસિક પ્રજાપતિનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, જે ગદ્દાર હશે તેમને છોડવામાં નહીં આવે. આ ધારાસભ્ય કહેતા હશે તો ગદ્દાર હશે. તેમણે અત્યાર સુધીમાં મને ક્યારેય કહ્યું નથી. જે ગદ્દાર હશે તેમને છોડવામાં નહીં આવે. આ વખતે ડભોઈ માર્કેટ યાર્ડમાં ભાજપનું બોર્ડ બનશે. કોંગ્રેસમાંથી જે સભ્યો ભાજપમાં આવ્યા છે તેમનું સ્વાગત છે. તેઓ ભાજપની કામગીરી જોઈને પક્ષમાં આવ્યા છે.

જિલ્લા ભાજપ પ્રમુખ રસિક પ્રજાપતિએ વધુમાં કહ્યું હતું કે, કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલાને મેન્ડેટ આપવું એટલે બળવો નથી. જે લોકોએ મેન્ડેટ વિરૂદ્ધ કામગીરી કરી હશે તેમની સામે પગલાં લઈશું. ડભોઈ APMCની ચૂંટણી અગાઉ જ ભાજપમાં જૂથવાદ વકર્યો હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. ખુદ ધારાસભ્ય શૈલેષ સોટ્ટાએ પણ જાહેર મંચ પરથી પક્ષમાં ગદ્દાર હોવાની વાત કરતા રાજકીય ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

