- Gujarat
- અમરેલીના BJP નેતા કહે- સરકારમાંથી 1 રૂપિયો આવે છે, પણ 30 પૈસા જ વપરાય છે, ખાડાને કારણે 2 દિવસમાં...
અમરેલીના BJP નેતા કહે- સરકારમાંથી 1 રૂપિયો આવે છે, પણ 30 પૈસા જ વપરાય છે, ખાડાને કારણે 2 દિવસમાં...
ભારતીય જનતા પાર્ટી (BJP)ને શિસ્તબદ્ધ પાર્ટી માનવામાં આવે છે. ભાજપાના નેતાઓમાં ગમે તેટલો રોષ હોય તેઓ ખૂલીને ક્યારેય બોલતા નથી, પરંતુ ક્યારેક એવી ઘટનાઓ સામે આવે છે કે શિસ્તબદ્ધ પાર્ટીના નેતાઓ શિસ્ત જ ભૂલી જાય છે. હવે કેટલીક એવી ઘટનાઓ સામે આવી છે કે નેતાઓ શિસ્તને બાજુમાં રાખીને સાર્વજનિક બોલે છે. ક્યારેક કોઇ મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરે છે, તો કોઈ પ્રધાનમંત્રીને પત્ર છે. આંતરિક જૂથવાદ હોય કે ભ્રષ્ટાચારનો મુદ્દો હોય હવે તો વરિષ્ઠ નેતાઓ પણ સામે આવીને બોલવા લાગ્યા છે.
હવે અમરેલીના પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ અમરેલી જિલ્લાના બિસ્માર રસ્તાઓ અંગે સવાલ ઉઠાવ્યો છે અને અધિકારીઓ-કોન્ટ્રાક્ટર્સ પર મિલીભગતથી ભ્રષ્ટાચાર કરવાનો આરોપ લગાવ્યો છે. નારણ કાછડિયાએ કહ્યું કહ્યું કે સરકારમાંથી 1 રૂપિયો આવે છે, પરંતુ 30 પૈસા જ વપરાય છે. નારણ કાછડિયાના આ નિવેદન બાદ સવાલ એ ઉઠી રહ્યો છે કે જો અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર્સ 1 રૂપિયામાંથી માત્ર 30 પૈસા જ વાપરે છે તો બાકીના 70 પૈસા ક્યાં જાય છે? મતલબ કે સરકારે ફાળવેલો કે મંજૂર કરેલો એક મોટો હિસ્સાનો ખર્ચ થતો જ નથી? તો શું તે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના ખિસ્સામાં જાય છે?
પૂર્વ સાંસદની વાત સાંભળીને એ નિવેદનો યાદ આવી જાય જ્યારે અત્યારસુધી ભાજપના નેતાઓ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીનું ઉદાહરણ આપીને બોલતા કે રાજીવ ગાંધીએ એક વખત કહ્યું હતું કે સરકાર 1 રૂપિયો આપે છે, પણ એમાંથી 15 પૈસા જ લાભાર્થી સુધી પહોંચે છે.
નારણ કાછડિયાએ કહ્યું હતું કે, પ્રદેશ કિસાન મોરચાના મહામંત્રી હિરેન હિરપરાએ થોડા દિવસ અગાઉ એક પત્ર લખ્યો હતો. જેમાં પંચાયતના રસ્તાઓ, સ્ટેટ હાઇવે અને નેશનલ હાઇવેને લઈને ઘણી ફરિયાદો કરી હતી. એ સમયે મેં પણ કહ્યું હતું કે અમરેલી જિલ્લાના 30 વર્ષના રાજકારણમાં ક્યારેય પણ રસ્તાઓ આટલા ખરાબ થયા નથી. અમરેલી-સાવરકુંડલા, સાવરકુંડલા-મહુવા, સાવરકુંડલા-રાજુલા, સાવરકુંડલા-જેસર, સાવરકુંડલા-ધારી જેવા ઘણા રસ્તાઓ છે જ્યાં અત્યાર સુધી પેચવર્કના કામ થયા નથી તો તાત્કાલીક ધોરણે જે રસ્તાઓ ગેરેન્ટી પીરિયડમાં છે તેને રિપેરીંગ કરાવવામાં આવે. જેથી લોકોને મુશ્કેલી ન પડે. છેલ્લા 2 દિવસમાં અમરેલી રોડ પર જ ખાડાને કારણે 2 અકસ્માત થયા. જેમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે એટલે આ ચિંતાના કારણે હું કહું છું કે રસ્તાઓનું તાત્કાલીક સમારકામ થવું જોઈએ. અમરેલીથી સાવરકુંડલા વચ્ચેનો નેશનલ હાઇવે ક્યારેય આટલો ખરાબ હતો?'
તેમણે વધુમાં કહ્યું કે, આજે અધિકારી અને કોન્ટ્રાક્ટર્સની મિલીભગતથી રસ્તાઓ ખરાબ થયા છે. જેના કારણે જનતા પરેશાની ભોગવવી પડી રહી છે. સરકાર પૂરતા પ્રમાણમાં પૈસા આપે છે. જેટલા રૂપિયા માગે તેટલા મળે છે. કેન્દ્રની સરકાર હોય કે રાજ્યની સરકાર હોય, જ્યાં જરૂર પડે ત્યાં સંબંધિત વિભાગના વિકાસ માટે પૈસા આપે છે. અત્યાર સુધીમાં ક્યારેય એવું નથી થયું કે પૈસાના અભાવે કામ બંધ થઈ ગયું હોય. છતા અધિકારીઓની મંશા અને ઢીલી નીતિના કારણે આ કોન્ટ્રાક્ટર્સ જે કામ કરે છે તે ક્વોલિટી વિનાનું કામ કરે છે, નબળી ગુણવત્તાવાળું કામ કરે છે.’
તેમણે કહ્યું કે, ‘હું આ બોલ્યો ત્યારબાદ 5-10 લોકોએ નેગેટિવ કોમેન્ટ કરી છે, પરંતુ મોટા પ્રમાણમાં લોકોએ મને કહ્યું કે આ બોલવાની જરૂર હતી. અધિકારીઓને થોડું કહેવાની પણ જરૂર હતી. કોન્ટ્રાક્ટર્સ અને અધિકારીઓ પોતાની મનમાની કરે છે એટલે કહેવાની જરૂર હતી. ઘણા એવા ઇશ્યૂ બનતા હોય છે કે અધિકારીઓના કારણે સરકારે બદનામ થવું પડે છે. સરકારની કોઇ ખામી નથી પરંતુ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર્સના કારણે જનતા ભોગ બને છે, આવા ઘણા દાખલા પણ બન્યા છે. થોડા દિવસ અગાઉ અમદાવાદમાં ઘાટાના બની હતી, જેમાં ખાડામાં એક્ટિવા પડી ગઈ હતી અને પતિ-પત્નીને કરંટ લાગતા તેમણે જીવ ગુમાવવ પડ્યા હતા. આવા અનેક ઉદાહરણ છે એટલે બોલવું પડ્યું.’

