- Gujarat
- ભાજપના MLAએ જ ફરજિયાત હેલમેટનો વિરોધ કર્યો, જણાવી મુશ્કેલીઓ
ભાજપના MLAએ જ ફરજિયાત હેલમેટનો વિરોધ કર્યો, જણાવી મુશ્કેલીઓ
સુરત સહિત રાજ્યના ઘણા શહેરોમાં ટૂ-વ્હીલર ચાલકો માટે હેલમેટ ફરજિયાત કરવામાં આવ્યો છે. ત્યારે ધારાસભ્ય કુમાર કિશોર કાનાણીએ હેલમેટ ફરજિયાત પહેરવાના કાયદામાં સુધારો કરવા માટે ગૃહ વિભાગને વિચારવા કહ્યું છે. તેમણે કહ્યું કે, હેલમેટ ફરજિયાત બાબતે જે ગૃહ વિભાગે નિર્ણય કર્યો છે, સુરતમાં પણ ઘણા સમય અગાઉ આ નિર્ણય લેવાયો છે. હાલમાં 2 દિવસ અગાઉ રાજકોટમાં પણ આ નિર્ણય લેવાયો. રાજકોટમાં લોકોમાં વિરોધનો સૂર ઉઠ્યો છે અને તેના કારણે ત્યાંના ધારાસભ્યોએ ગૃહ રાજ્યમંત્રીને રજૂઆત કરી છે અને રજૂઆતના આધાર પર અને મને જાણવા મળ્યા મુજબ આજે રાજકોટની અંદર એક કાર્યવાહિની અંદર પોલીસ વિભાગે વિચારવાનું શરૂ કર્યું છે અને કાર્યવાહી ત્યાં રોકી હોય તેવું લાગી રહ્યું છે. આ પ્રશ્ન સુરત સહિત ગુજરાતના તમામ મહાનગરોનો છે.
https://www.facebook.com/watch/?v=1151468973529013
તેમણે કહ્યું કે, હેલમેટ ફરજિયાત પહેરવા માટે જે કાયદો છે. તેમાં લોકોને અનેક પ્રકારની મુશ્કેલીઓ પડે છે. અનેક પરેશાનીઓ છે. જેના કારણે લોકો વિરોધ કરી રહ્યા છે. મારી ગૃહ વિભાગને વિનંતી છે કે આ જે લોકોની રજૂઆતો આવે છે, લોકો દ્વારા વિરોધ થઈ રહ્યો છે. રાજકોટમાં જેમ વિરોધ થયો અને ધારાસભ્યોએ રજૂઆતો કરી એ મુજબ ફરી વખત આખા ગુજરાતમાં બધા મહાનગરો-શહેરોની અંદર હેલમેટ માટેનો વિચાર આપણે કરવો જોઇએ. લોકોને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને, તેને સાંભળીને, લોકોને મુશ્કેલી ન પડે, તકલીફ ન થાય એ રીતેનો નિર્ણય લેવો જોઇએ એવું મારું માનવું છે.
આ અંગે કુમાર કાનાણી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર વીડિયો પોસ્ટ કરતા કેપ્શનમાં લખ્યું કે, ‘આજરોજ સુરત સહિત તમામ શહેરોમાં હેલ્મેટ ફરજિયાત પહેરવાના કાયદામાં સુધારો કરવા માટે ગૃહ વિભાગને વિચારવા કહ્યું.’ આ માટે ગાંધીનગર ખાતે પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે હેલમેટનો કાયદો શહેરી વિસ્તારોમાં લોકોને મુશ્કેલીઓ ઊભી કરી રહ્યો છે અને તેમાં સુધારો થવો જોઈએ.
આ સાથે જ ધારાસભ્યએ હેલ્મેટ કાયદામાં પડતી મુશ્કેલીઓ બાબતે પણ જણાવ્યું. તેમણે વધુમાં લખ્યું કે...
ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા: શહેરોમાં ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાને કારણે હેલમેટ ઉતારવા અને પહેરવામાં લોકોને મુશ્કેલીઓ પડે છે.
નજીકના સ્થળોએ જવું: ઘણા લોકો નજીકના સ્થળોએ જવા માટે પણ હેલમેટ પહેરવું પડે છે, જે ઘણી વાર અસુવિધાજનક હોય છે.
વધારે દંડ: હેલ્મેટ ન પહેરવા પર ભારે દંડ વસૂલવામાં આવે છે, જે સામાન્ય નાગરિકો માટે આર્થિક બોજ બની રહે છે.

