- Gujarat
- ગુજરાતમાં નવા સાયક્લોનિક સર્ક્યુલેશનથી ફરી વરસાદી માહોલ, સૌરાષ્ટ્ર–કચ્છમાં વરાપ
ગુજરાતમાં નવા સાયક્લોનિક સર્ક્યુલેશનથી ફરી વરસાદી માહોલ, સૌરાષ્ટ્ર–કચ્છમાં વરાપ
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં એક નવું સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેના કારણે ગુજરાતના દક્ષિણ, મધ્ય અને ઉત્તર જિલ્લાઓ સહિત રાજસ્થાન અને મધ્યપ્રદેશ બોર્ડરના વિસ્તારોમાં 27 થી 31 ઓગસ્ટ દરમિયાન વરસાદની સંભાવના છે.
આ સિસ્ટમ ગયા વરસાદી રાઉન્ડ જેટલી મજબૂત ન હોવા છતાં, રાજ્યના મોટા ભાગમાં હળવાથી મધ્યમ વરસાદ લાવશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની શક્યતા વધુ છે, જ્યારે રાજસ્થાન તથા મધ્યપ્રદેશની સરહદે આવેલા વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે છે. બીજી તરફ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની સંભાવના નથી. અહીં છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે.
પરેશ ગોસ્વામીએ તાપમાન અને પવન અંગે પણ માહિતી આપી છે. તેમના જણાવ્યા મુજબ—
તાપમાન: હાલ સરેરાશ 27 થી 30 ડિગ્રી સેલ્સિયસ છે, જે આવતા દિવસોમાં ઘટીને 25 થી 28 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની શક્યતા છે. ભાદરવા મહિનાની સામાન્ય ગરમી અને બફારાનો અનુભવ થવાનો નથી.
પવન: ગત વરસાદી રાઉન્ડમાં પવનની ઝડપ વધુ હતી, પરંતુ હવે સરેરાશ ઝડપ 12 થી 16 કિ.મી./કલાક રહેશે.
નિષ્ણાતના જણાવ્યા અનુસાર, સિસ્ટમ આગળ વધતા જિલ્લા અને તાલુકાવાર વિગતવાર આગાહી જાહેર કરવામાં આવશે.

