- Gujarat
- રાજકોટઃ ચકડોળમાં 100 ફૂટ ઊંચાઈએ લોકો બેઠા હતા અને રાઇડ બંધ કરીને જતો રહ્યો ઓપરેટર
રાજકોટઃ ચકડોળમાં 100 ફૂટ ઊંચાઈએ લોકો બેઠા હતા અને રાઇડ બંધ કરીને જતો રહ્યો ઓપરેટર
રાજકોટ મહાનગર પાલિકા સંચાલિત રાઈડ્સમાં ફરી એકવાર ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે, જેના કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. રાજકોટના અટલ સરોવર ખાતે આનંદ-પ્રમોદ કરવા આવેલા લોકો માટે રાઈડની મજા સજા સમાન બની ગઈ હતી જ્યારે એક ચકડોળ ઓપરેટર ચાલુ રાઈડ બંધ કરીને જતો રહ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, અટલ સરોવરના ચકડોળમાં 4 લોકોનો પરિવાર બેઠો હતો. ચકડોળ 100 ફૂટ ઊંચાઈ ઉપર હતું અને ઓપરેટર ભૂલી ગયો કે અંદર કોઈ બેઠું છે અને તે ચકડોળ બંધ કરીને જતો રહ્યો. રાતના 10:30 વાગ્યે 4 લોકો અડધા કલાકથી વધુ સમય સુધી હવામાં જ લટકતા રહ્યા. તેમણે બૂમો પાડીને હાજર વોચમેનને આ અંગે જાણ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમનો અવાજ પણ નીચે જતો નહોતો. જે બાદ આ લોકોએ પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી.
ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ આ ઘટનાએ મનપાના સંચાલન પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. આ કિસ્સો ધ્યાને આવ્યા બાદ લોકોએ પણ આ અંગે હોબાળો કર્યો હતો. જેના કારણે ચકડોળ ઓપરેટરને તાત્કાલિક નોકરીમાંથી કાઢી મૂકાયો છે. આ ગંભીર બેદરકારીની ઘટના બાદ ઓપરેટરને તાત્કાલિક નોકરીમાંથી કાઢી મૂકાયો છે.
ચકડોળમાં ફસાયેલા એક વ્યક્તિએ પોતાની આપવીતી જણાવતા કહ્યું હતું કે, ‘અમને ઉપર ચકડોળમાં ચઢાવ્યા અને પછી તેમનું કહેવું છે અમે ભૂલી ગયા. અમને ઉપર પહોંચાડ્યા બાદ વ્હીલ બંધ કરી દીધું અને પછી તે લોકો ભૂલી ગયા કે અમને ઉપર બેસાડ્યા છે. અમે 10 મિનિટ રાહ જોઈ કે નીચેથી કોઈ ચઢતું હશે એટલે અમે રાહ જોઈ. અડધો કલાક થયો, ચાલીસ મિનિટ થઈ પછી અમે બૂમાબૂમ કરી. અમે ઉપરથી બૂમ પાડી પણ નીચે વોચમેનને કઈ સંભળાતું નહોતું. રાઇડ્સવાળા ત્યારે કોઈ હાજર નહોતું, એ લોકો બધા જતા રહ્યા હતા. તેણે કહ્યું કે, રાઈડની નીચે ઉભેલા વોચમેનનું કહેવું છે કે, અંદર કોઈ મેઇન્ટેનન્સ ક્રૂ હશે. અમે ચાર લોકો હતા. હું, મારા સાસુ, મારી પત્ની અને મારો દીકરો. પછી મેં ફાયરને ફોન કર્યો અને પોલીસને ફોન કર્યો. તેમણે આવીને અમને નીચે ઉતાર્યા.
તંત્રએ તાત્કાલિક પગલાં લેતા જવાબદાર ઓપરેટરને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યો છે. જોકે, માત્ર ઓપરેટરને છૂટો કરવાથી સમસ્યાનો ઉકેલ આવશે કે નહીં તે મોટો સવાલ છે. હાલ શહેરીજનોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે કે રાઈડ્સનું સંચાલન કરતા કોન્ટ્રાક્ટર સામે તંત્ર દ્વારા કેવા કડક પગલાં લેવામાં આવશે? શું લોકોની સુરક્ષા સાથે ચેડાં કરનાર એજન્સી સામે કોઈ ફોજદારી કાર્યવાહી થશે કે કેમ તે જોવું રહ્યું.

