- National
- GST ડેપ્યુટી કમિશનર પદેથી રાજીનામું આપનારા પ્રશાંત સિંહની કહાનીમાં નવો વળાંક
GST ડેપ્યુટી કમિશનર પદેથી રાજીનામું આપનારા પ્રશાંત સિંહની કહાનીમાં નવો વળાંક
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના સમર્થનમાં રાજીનામું આપીને ચર્ચામાં આવેલા અયોધ્યાના ડેપ્યુટી કમિશનર (GST) પ્રશાંત કુમાર સિંહના કેસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. તેમના રાજીનામા બાદ પ્રશાંત કુમાર પર નકલી દિવ્યાંગ પ્રમાણપત્રનો ઉપયોગ કરીને નોકરી મેળવવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે.
આ આરોપ બીજા કોઈએ નહીં, પરંતુ તેમના મોટા ભાઈ ડૉ. વિશ્વજીત સિંહે લગાવ્યો છે. વિશ્વજીતના જણાવ્યા અનુસાર, પ્રશાંત કુમારે નકલી દિવ્યાંગ પ્રમાણપત્રનો ઉપયોગ કરીને સરકારી નોકરી મેળવી હતી. તેણે 2021માં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. 20 ઓગસ્ટ, 2021ના રોજ તેમણે પ્રશાંત સિંહના દિવ્યાંગ પ્રમાણપત્રની ફરીથી તપાસ કરવાની માંગ કરી હતી. ત્યારબાદ, ડિવિઝનલ મેડિકલ કાઉન્સિલે પ્રશાંત સિંહને મેડિકલ બોર્ડ સમક્ષ તપાસ માટે બોલાવ્યા હતા, પરંતુ તેઓ હાજર ન થયા. વિશ્વજીત સિંહનો દાવો છે કે પ્રશાંત 2 વાર મેડિકલ બોર્ડ સમક્ષ હાજર થયા નહોતા.
આટલું જ નહીં, વિશ્વજીતનો વધુ એક પત્ર વાયરલ થઈ રહ્યો છે, જેમાં મુખ્ય ચિકિત્સા અધિકારી (CMO)ને પ્રશાંત સિંહના દિવ્યાંગ પ્રમાણપત્રની ફરીથી તપાસ કરવાની વિનંતી કરવામાં આવી છે. તેમના ભાઈએ એવો પણ આરોપ લગાવ્યો છે કે રાજીનામું એક નાટક છે, જેથી તપાસ અને સંભવિત રિકવરીથી બચી શકાય. વિશ્વજીત સિંહના જણાવ્યા મુજબ, પ્રશાંતે જે આંખની બીમારી બતાવીને દિવ્યાંગ પ્રમાણપત્ર બનાવ્યું, તેવી બીમારી 50 વર્ષથી ઓછી ઉંમરમાં દુનિયામાં કોઈને થતી નથી.
હવે આ આખા મામલે CMO, મઉ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ડૉ. વિશ્વજીત સિંહે પોતે પ્રશાંત કુમાર સિંહ વિરુદ્ધ નકલી દિવ્યાંગ પ્રમાણપત્રના આધારે નોકરી મેળવવા બદલ ઔપચારિક ફરિયાદ નોંધાવી છે. રાજીનામા બાદ સામે આવેલા આ આરોપોએ મામલો વધુ ગંભીર બનાવી દીધો છે. હવે બધાની નજર મેડિકલ બોર્ડના રિપોર્ટ અને વહીવટી તપાસના પરિણામો પર છે.
પ્રશાંત સિંહે રાજીનામાનું આ કારણ આપ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના સમર્થનમાં અયોધ્યામાં તૈનાત GST ડેપ્યુટી કમિશનર પ્રશાંત કુમાર સિંહે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમનું કહેવું હતું કે CM યોગી વિરુદ્ધ અવિમુક્તેશ્વરાનંદની ટિપ્પણીઓથી તેઓ દુઃખી થયા છે.
તેમણે કહ્યું કે, ‘જે રાજ્યના મુખ્યમંત્રીનું મીઠું અને રોટલી ખાઉં છું, જે સરકારનો પગાર મારા પરિવારનું ગુજરાન ચાલે છે, એજ પ્રદેશના મુખ્યમંત્રીનું સાર્વજનિક રૂપે અપમાન કરવામાં આવે, એ મને સ્વીકાર નથી. હું રોબોટ નથી; મારી અંદર પણ સંવેદનાઓ છે.’
48 વર્ષીય પ્રશાંત કુમાર સિંહ, મૂળ રૂપે મઉ જિલ્લાના સરવા ગામના વતની છે. તેમને પહેલી પોસ્ટિંગ સહારનપુરમાં મળી હતી. 21 ઓક્ટોબર, 2023ના રોજ તેમને અયોધ્યામાં પોસ્ટ કરવામાં આવ્યા હતા.

