- National
- ખડગે અને ગડગરીની મિત્રતાની ચર્ચા! હાથોમાં હાથ નાખીને મતદાન કરવા પહોંચ્યા બંને નેતા; કોંગ્રેસ બોલી- ‘...
ખડગે અને ગડગરીની મિત્રતાની ચર્ચા! હાથોમાં હાથ નાખીને મતદાન કરવા પહોંચ્યા બંને નેતા; કોંગ્રેસ બોલી- ‘મોદીને આવી રીતે..’
ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌથી પહેલા મતદાન કર્યું હતું. ત્યારબાદ રાજ્યસભા અને લોકસભાના તમામ સાંસદો લાઇનમાં મતદાન કરી રહ્યા છે. આ દરમિયાન એક રસપ્રદ તસવીર પણ સામે આવી છે, જેના કારણે ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. જ્યારે રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરી મતદાન કરવા પહોંચ્યા ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે પણ તેમની સાથે હતા. બંને નેતાઓ એક-બીજાના હાથ પકડીને પરિસરમાં પહોંચ્યા હતા. બંને લાંબા સમય સુધી આ રીતે ચાલતા રહ્યા અને હસતા-હસતા વાતો કરતા રહ્યા.
આ તસવીર પર ભાજપ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી, પરંતુ કોંગ્રેસે તેનો ઉપયોગ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરવા માટે કર્યો છે. કોંગ્રેસના પ્રવક્તા અખિલેશ પ્રતાપ સિંહે કહ્યું કે આ અસલી લોકતંત્રની તસવીર છે. એટલું જ નહીં તેમણે કહ્યું કે શું તમે ક્યારેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ રીતે કોઈનો હાથ પકડતા જોયા છે. તેઓ તો હંમેશાં ગુસ્સામાં રહે છે અને કોઈ સાથે વાતચીત કરવાનું ટાળે છે.
https://twitter.com/ANI/status/1965318942391759286
ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ચાલી રહેલા મતદાન દરમિયાન ઘણી રસપ્રદ તસવીરો જોવા મળી છે. એક તરફ, ગિરિરાજ સિંહ અને અખિલેશ યાદવ ખૂબ જ પ્રેમથી મળતા જોવા મળ્યા, જ્યારે કિરેન રિજિજૂ પણ સતત ઘણા વિપક્ષી નેતાઓને મળતા જોવા મળ્યા. તેમણે મતદાન મથકની બહાર ડિમ્પલ યાદવ સાથે પણ વાત કરી હતી. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન આ તસવીરોએ સાબિત કર્યું છે કે ચૂંટણી મુકાબલા છતા નેતાઓ વચ્ચે વ્યક્તિગત સંબંધો અને વાતચીત ચાલુ રહે છે.
આ ચૂંટણીમાં વિપક્ષી ઉમેદવાર સુદર્શન રેડ્ડી સામે NDA ઉમેદવાર સીપી રાધાકૃષ્ણનની જીત નિશ્ચિત માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, YSR કોંગ્રેસના 11 સાંસદોએ પણ NDA ઉમેદવારને સમર્થન આપવાની જાહેરાત કરી છે. NDA પાસે પહેલાથી જ 427 મત હોવાની વાત સામે આવી હતી. આ ઉપરાંત BSR, BJD જેવા પક્ષોએ ચૂંટણીમાં ભાગ લેવાનો ઇનકાર કરી દીધો છે. અમૃતપાલ સિંહ અને પંજાબના અન્ય એક સાંસદ પણ મતદાનથી દૂર રહેશે.

