- National
- માતાને કેન્સર જેવી બીમારીથી બચાવવા માટે પુત્રોએ ઉઘાડા પગે કરી 121 કિમીની કાવડ યાત્રા
માતાને કેન્સર જેવી બીમારીથી બચાવવા માટે પુત્રોએ ઉઘાડા પગે કરી 121 કિમીની કાવડ યાત્રા
ઉત્તર પ્રદેશના ઔરૈયામાં શ્રાવણ મહિનાના પહેલા સોમવારે એક એવું ઉદાહરણ જોવા મળ્યું, જેણે લોકોને ભાવુક કરી દીધા છે. કન્નૌજમાં રહેતા 2 પુત્રોએ તેમની બીમાર માતાના સ્વાસ્થ્યની કામના સાથે ભગવાન શિવની પૂજા કરવાનો સંકલ્પ લીધો અને માતાના લાંબા આયુષ્ય અને સ્વાસ્થ્ય લાભ માટે 121 કિલોમીટર લાંબી કાવડ યાત્રા ઉઘાડા પગે પૂરી કરી. પુત્રોની આ શ્રદ્ધા અને સેવા ભાવનાએ લોકોને શ્રવણ કુમારની યાદ અપાવી દીધી. બંને ભાઈઓ પોતાના મિત્રો સાથે કન્નૌજથી ગંગાજળ લઈને ઔરૈયાના પ્રખ્યાત દેવકલી મંદિરે પગપાળા પહોંચ્યા હતા. અહીં તેમણે ભગવાન શંકરને જળ ચઢાવીને પોતાની માતાના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી. ખાસ વાત એ હતી કે તેમણે આ આખી યાત્રા ઉઘાડા પગે પૂરી કરી, જે સામાન્ય ભક્ત માટે પણ ખૂબ જ મુશ્કેલ કાર્ય છે.
તેમની માતા કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડિત છે. એવામાં પુત્રોએ ડૉક્ટરો સાથે-સાથે ભગવાન શંકરને માતાના લાંબા આયુષ્ય અને ઝડપથી સ્વસ્થતા માટે પ્રાર્થના કરી. આ કાવડ યાત્રા ન માત્ર એક ધાર્મિક અનુષ્ઠાન હતું, પરંતુ એક પુત્રની શ્રદ્ધાનું પ્રતિક હતું, જે આજના યુગમાં દુર્લભ થતી જઇ રહી છે. પુત્રોએ કહ્યું કે, ‘અમે ન માત્ર માતા માટે જળાભિષેક કર્યો, પરંતુ ભગવાનને પ્રાર્થના પણ કરી કે માતાની સારવાર સફળ થાય અને તે જલદી સ્વસ્થ થઈ જાય, તેમની સાથે આવેલા મિત્રોએ પણ દરેક સમયે તેમને ભાવનાત્મક સહયોગ આપ્યો.
શ્રાવણ મહિનામાં ભગવાન શિવને જળ ચઢાવવાનું વિશેષ મહત્ત્વ છે અને ભક્તો માને છે કે સાચા હૃદયથી કરવામાં આવતી પૂજાથી ભોલેનાથ ભક્તોની દરેક ઇચ્છા પૂર્ણ કરે છે. આ શ્રદ્ધા સાથે, બંને ભાઈઓની આ યાત્રા ન માત્ર ભક્તિની પ્રતિક છે, પરંતુ સમગ્ર વિસ્તાર માટે પ્રેરણારૂપ પણ બની ગઈ છે. આ ઘટના જોનારા ગ્રામજનો અને મંદિરમાં ઉપસ્થિત ભક્તોએ પણ આ કાર્યની પ્રશંસા કરતા કહ્યું કે આજના સમયમાં જ્યારે લોકો પોતાના માતા-પિતાને ભારરૂપ માને છે, ત્યારે આવા પુત્રોનું આ પગલું સમગ્ર સમાજ માટે એક ઉદાહરણ છે.

