- Politics
- મહારાષ્ટ્ર માટે અટલ બિહારી વાજપેયીએ 46 વર્ષ પહેલા કરેલી ભવિષ્યવાણી સાચી પડી
મહારાષ્ટ્ર માટે અટલ બિહારી વાજપેયીએ 46 વર્ષ પહેલા કરેલી ભવિષ્યવાણી સાચી પડી
‘અંધારું ઓછું થશે, સૂર્ય ઉગશે, કમળ ખીલશે...’, 46 વર્ષ અગાઉ અરબ સાગરના કિનારે મુંબઈમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રથમ સંમેલનમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ કરેલી ભવિષ્યવાણી હવે મહારાષ્ટ્રના રાજકારણમાં સાચી પડતી દેખાય રહી છે. સતત ત્રીજા કાર્યકાળ માટે મોદી સરકાર, 20 રાજ્યોમાં NDA સરકાર અને હવે મહારાષ્ટ્રમાં ભાજપની ઐતિહાસિક જીતે તેને વધુ મજબૂત બનાવી દીધી છે.
આ પરિણામો સ્પષ્ટ સંકેત આપે છે કે દેશમાં ભાજપનો જનાધાર મજબૂત થયો છે. કેરળમાં તિરુવનંતપુરમ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કમળ ખીલ્યા બાદ, ભાજપે હવે મહારાષ્ટ્રમાં પણ ઇતિહાસ રચી દીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કહેવું છે કે જનતાનો વિશ્વાસ પંચાયતોથી લઈને સંસદ સુધી ભાજપ સાથે છે. મહારાષ્ટ્રમાં આ જ વિશ્વાસનો એક નવો અને મોટો ભાગ ઉભરી સામે આવ્યો છે. ત્યારે સ્વર્ગસ્થ વાજપેયીએ કહ્યું હતું કે, ‘ભારતના પશ્ચિમ ઘાટને શણગારતા સમુદ્રને કિનારે ઉભા રહીને, હું એવી ભવિષ્યવાણી કરવાનું સાહસ કરું છું કે અંધકાર દૂર થશે, સૂર્ય ઉગશે, કમળ ખીલશે...’
ભાજપ ગઠબંધન રાજ્યના 29 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાંથી 25 પર જીત મેળવી છે. સૌથી મોટી જીત બૃહમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)માં મળી છે, જે દેશની સૌથી ધનિક મ્યુનિસિપલ કોર્પોરેશન છે. દાયકાઓથી ઠાકરે પરિવારનો અદમ્ય ગઢ માનવામાં આવતી BMCમાં ભાજપ પહેલી વખત સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે અને હવે મુંબઈમાં ભાજપનો મેયર બનશે તે નિશ્ચિત છે. નાગપુરથી પુણે, નાસિકથી સોલાપુર સુધી, ભાજપ ગઠબંધન જીતી ગયું છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તેને રેકોર્ડબ્રેક જનાદેશ ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, ‘આ જીત વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં જનતાના વિશ્વાસની જીત છે, જેમણે માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં વિકાસની નવી ભાષા બનાવી છે.
ભાજપ હવે ગામડાઓથી લઈને શહેરો સુધી સ્થાનિક ચૂંટણીઓમાં મહારાષ્ટ્રમાં મુખ્ય પાર્ટી બની ગઈ છે. હકીકતમાં, એ સ્પષ્ટ થઈ ગયું છે કે ભાજપ મહારાષ્ટ્રના સ્થાનિક વિસ્તારોમાં પણ વોકલ છે, કારણ કે ભાજપે એકસાથે મુખ્ય રાજકીય પરિવારોના ગઢને ધ્વસ્ત કરી નાખ્યા છે. સહકારીથી સરકાર સુધીના સૂત્ર પર ચાલતા પવાર પરિવાર એક થઈને પણ પોતાનો ગઢ બચાવવામાં નિષ્ફળ ગયો છે. મરાઠી માનુષ અને હિન્દુ સ્વાભિમાનના મંત્ર પર ચાલનાર ઠાકરે પરિવાર પોતાનો ગઢ ભાજપ બચાવી ન શક્યો છે.
ઠાકરે પરિવાર, જેની ઓળખ મુંબઈ અને BMC સાથે જોડાયેલી રહી છે, પહેલીવાર તેના ગઢની રક્ષા કરવામાં નિષ્ફળ રહ્યો છે. બે દાયકા બાદ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેનું એકસાથે આવ્યા છતા પણ ભાજપ સામે બિનઅસરકારક સાબિત થયું. તેવી જ રીતે, શરદ પવાર અને અજિત પવાર એક થયા છતા ભાજપ ગઠબંધન પુણે અને પિંપરી-ચિંચવડ જેવા ગઢમાં તેમને રોકવામાં અસમર્થ રહ્યા. તો કોંગ્રેસ, વિવિધ સહયોગીઓ સાથે ચૂંટણી લડવા છતા તેના અગાઉના પ્રદર્શનનું પુનરાવર્તન ન કરી શકી. જે મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં પાર્ટીએ અગાઉ જીત મેળવી હતી, ત્યાં કોંગ્રેસ સમેટાઇ ગઈ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારંવાર જોખમો લેવાની વાત કરે છે, એવા નિર્ણયો, જેને લેતા પહેલા સરકારો ચૂંટણીમાં નુકસાનના ડરથી બચતી હતી. ભાજપે મહારાષ્ટ્રમાં આ જોખમી રાજકારણ જમીન પર ઉતાર્યું. 2024ની લોકસભા ચૂંટણીમાં, કોંગ્રેસ-શરદ પવાર-ઉદ્ધવ ઠાકરે ગઠબંધને NDAને મોટો ઝટકો આપ્યો હતો. જોકે, વિધાનસભા ચૂંટણીમાં વાપસી બાદ, ભાજપે પડકારને પૂરી રીતે સ્વીકાર્યો અને મ્યુનિસિપલ ચૂંટણીઓમાં નિર્ણાયક જવાબ આપ્યો.
2024ની લોકસભા ચૂંટણી બાદ, ભાજપે તેની રણનીતિ બદલી. અતિ-સ્થાનિક મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો. સ્વચ્છતા, આરોગ્ય, શિક્ષણ અને મહિલા સુરક્ષા જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતો 29-મુદ્દાનો મેનિફેસ્ટો બહાર પાડવામાં આવ્યો. તો, ઠાકરે પરિવારે મુંબઈમાં મરાઠી અસ્મિતાને મુખ્ય મુદ્દો બનાવ્યો, પરંતુ આ રણનીતિ નિષ્ફળ ગઈ.
મહારાષ્ટ્રમાં આ જીતની અસર માત્ર રાજ્ય પૂરતી મર્યાદિત નહીં રહે. મુંબઈથી 1600 કિલોમીટર દૂર રાંચીમાં ભાજપ કાર્યાલયની બહાર ઉજવણીઓ થઈ. પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું આની પશ્ચિમ બંગાળ અને આસામ જેવા રાજ્યોમાં આગામી ચૂંટણીઓ પર માનસિક અસર પડશે. હાલમાં એટલું નક્કી છે કે, મહારાષ્ટ્રમાં ભાજપે એક સંદેશ મોકલ્યો છે કે તેની વિરુદ્ધ બનાવવામાં આવેલા પ્રયોગ હોય કે, પછી ભલે ગઠબંધનના હોય કે વૈચારિક સમજૂતીના હોય, હવે સરળતાથી સફળ નહીં થાય. હિન્દુત્વ, વિકાસ અને મજબૂત નેતૃત્વના ત્રિકોણ સાથે, ભાજપે મહારાષ્ટ્રના શહેરી રાજકારણમાં એક નવો અધ્યાય લખી દીધો છે.

