- Politics
- સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી?
સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી?
ભારતીય જનતા પાર્ટી (BJP)ના દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની ચીમકી આપી છે. મીડિયા અહેવાલો અનુસાર, ભાજપ સાંસદ મનસુખ વસાવાએ 75 લાખના તોડ મુદ્દે ન્યાય નહીં મળે તો ભાજપ છોડવાની ચીમકી આપી છે. ચાલો જાણીએ શું છે આખો મામલો.
મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપતા સાંસદ મનસુખ વસાવાએ અત્યંત આક્રમક તેવર બતાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે મારી પાસે 75 લાખની માગણીનું રેકોર્ડિંગ છે, છતા કલેક્ટર વાત કેમ છુપાવી રહ્યા છે એ સમજાતું નથી. એવી લાગે છે કે, કલેક્ટર ચૈતર વસાવાથી ડરી રહ્યા છે. હું સરકાર અને અધિકારીઓના પક્ષમાં લડી રહ્યો છું, પરંતુ જો સરકાર મને ન્યાય નહીં આપે તો હું ભાજપ છોડી દઈશ. હું આવા ખોટા માણસોને ચલાવી લેવા માંગતો નથી.
મનસુખ વસાવાએ કહ્યું કે, ચૈતર વસાવાએ જિલ્લા સંકલનમાં 2 વખત કાર્યક્રમને લઈ હિસાબ માંગ્યો અને અધિકરીઓએ હિસાબ પણ આપ્યો છતા અધિકારીઓને ડરાવી 75 લાખ માગ્યા, જોકે મેં આ મુદ્દો ઉઠાવ્યો એટલે પૈસા ન મળ્યા. જ્યારે જિલ્લા કલેક્ટરે સાંસદની વાતને ફગાવી ત્યારે સાંસદે કહ્યું હતું કે હું સરકાર સાથે રહી કામ કરી રહ્યો છું અને જિલ્લા કલેક્ટર પાસે 75 લાખ માંગ્યાનું રેકોરિંગ પણ છે, પરંતુ જિલ્લા કલેક્ટર કેમ આ વાતને છુપાવી રહ્યા છે એ મને ખબર નથી પડતી. હું અધિકારી અને સરકારની તરફેણમાં બોલી આવા લોકો સામે લડી રહ્યો છું.
તેમણે કહ્યું કે, સરકારને પણ હું કહું છું કે અમારી સરકારે પણ આ બાબતે બોલવું પડે. આ કોઈ સામાન્ય બાબત નથી. આ વાત મીડિયામાં વારંવાર આવે છે તો સરકારે આમાં ન્યાય કરવો પડશે કે જિલ્લા કલેક્ટર સાચા છે, ચૈતર વસાવા સાચા છે કે મનસુખ વસાવા સાચા. આ બાબતે કલેક્ટરે પણ સ્ટેન્ડ લેવું પડશે. આ બાબતે રાજ્ય સરકારે પણ સ્ટેન્ડ લેવું પડશે. આ બાબત હું છોડવાનો નથી. હું સાચો છું. જિલ્લા કલેક્ટર સામે ચૈતર વસાવા હાવી થાય છે અને કલેક્ટર ડરપોક હોય એમ બેસી રહ્યા છે. આ બાબતે હું સરકારમાં રજૂઆત કરવાનો છું અને સરકાર મારી સાથે ન્યાય નહીં કરે તો હું ભાજપ છોડી દઇશ.
વસાવાએ વધુમાં કહ્યું કે, હું અધિકારીઓ અને સરકાર માટે લડી રહ્યો છું. આવા ખોટા લોકો સામે કાર્યવાહી થવી જોઈએ, પરંતુ તેમને બચાવવામાં આવી રહ્યા છે. આ બાબતે કલેક્ટર તેમને (ચૈતર વસાવા) બચાવી રહ્યા છે કે સરકાર, એ મારે જાણવું છે. હું આવા ખોટા લોકોનું નહીં ચલાવી લઉં.
સાંસદ વસાવાએ પ્રેસ-કોન્ફરન્સમાં નામ લીધા વિના કહ્યું હતું કે આમ આદમી પાર્ટી (AAP)ના નેતાઓ રાજ્યમાં પ્રવાસ કરે છે, આ લોકો એજન્ટ પ્રકારના લોકો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ટ્રાઇબલ જિલ્લામાં થતા વિકાસના કામોમાં ' AAP'ના લોકો 'ચોર શાહુકારને દંડે' એવી પરિસ્થિતિ ઊભી કરે છે. તેઓ સંકલનની મીટિંગોમાં તપાસની માંગણી કરે છે અને ત્યારબાદ અધિકારીઓ તેમજ એજન્સીઓ પાસેથી તોડપાણી કરતા હોય છે. સાંસદ વસાવાનો દાવો છે કે આ નેતાઓ ટ્રાઇબલ વિસ્તારમાં ચાલતાં કામોમાં લાખો રૂપિયાનો તોડ કરે છે.
આ સમગ્ર મામલે ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું હતું કે અમે કલેક્ટરને મળ્યા તો કલેક્ટરસાહેબે સૌની સામે કહ્યું હતું કે આ વાત તદ્દન ખોટી છે. તમે (મનસુખ વસાવા) ખોટા આરોપ લગાવીને મારી રાજકીય શાખ ખરડવાનો પ્રયાસ ન કરો. હું જ્યારે કોઇ મુદ્દો ઉઠાવું છું ત્યારે મનસુખભાઇને કેમ પેટમાં દુઃખે છે. મને લાગે છે કે આ કોન્ટ્રેક્ટરો તેમના જ છે. મનસુખદાદા સાંસદ છે અને હું ધારાસભ્ય છું. તેમના ધ્યાનમાં આવી કોઇ વાત આવી તો તેમણે મને કહેવું જોઇએ. આ રીતે પત્રકાર પરિષદ કરી મારા પર ખોટા આરોપો લગાવી મારી શાખને બગાડવાનો પ્રયાસ ન કરવો જોઇએ.
બીજી તરફ, ધારાસભ્ય ચૈતર વસાવાએ કલેક્ટરને આવેદન આપી આ મામલે તપાસની માંગ કરી હતી. કલેક્ટરે સાંસદની વાતને નકારી કાઢતા હવે આ મામલો 'કોણ સાચું અને કોણ ખોટું' એના પર આવીને અટક્યો છે. હાલ તો આ વિવાદે રાજ્ય સરકાર સુધી પહોંચવાની શક્યતા છે, કારણ કે સાંસદે આ મામલે રાજ્ય સરકાર અને સંગઠન કક્ષાએ ઉગ્ર રજૂઆત કરવાની તૈયારી બતાવી છે.
શું છે સમગ્ર મામલો?
સાંસદ મનસુખ વસાવાએ જાહેરમાં આક્ષેપ કર્યો હતો કે, AAP ધારાસભ્ય ચૈતર વસાવા સરકારી અધિકારીઓ પર દબાણ બનાવી રહ્યા છે. મનસુખ વસાવાના જણાવ્યા મુજબ, ચૈતર વસાવાએ માર્ગ અને મકાન વિભાગ (R&B Department)ના અધિકારીઓ પાસે સરકારી કામો અને ગ્રાન્ટની માહિતી માંગી હતી. સાંસદનો આરોપ છે કે ચૈતર વસાવા પહેલા માહિતી માંગે છે અને ત્યારબાદ અધિકારીઓને ડરાવીને 'તોડપાણી' કરવાનો પ્રયાસ કરે છે.
મનસુખ વસાવાએ દાવો કર્યો છે કે, ચૈતર વસાવાએ માર્ગ મકાન વિભાગના અધિકારી પાસે 75 Lakh રૂપિયાની માંગણી કરી હતી. આ વાતનો ખુલાસો કરતા સાંસદે કહ્યું કે, આ કોઈ હવામાં કરેલી વાત નથી. ખુદ જિલ્લા કલેકટરે મને અને જિલ્લા ભાજપ પ્રમુખની હાજરીમાં આ વાત કરી છે. કલેક્ટર જેવી જવાબદાર વ્યક્તિ ક્યારેય ખોટું ન બોલે. ચૈતર વસાવા વારંવાર ખોટા આક્ષેપો કરતા હોવાથી મારે હવે તેમને ખુલ્લા પાડવાની ફરજ પડી છે. આટલેથી ન અટકતા મનસુખ વસાવાએ સરકારી અધિકારીઓને ખુલ્લી સલાહ અને હિંમત આપી છે. તેમણે અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, તમારે ગભરાવાની જરૂર નથી. ચૈતર વસાવાને એક પણ રૂપિયો ન આપતા.
ઉલ્લેખનીય છે કે, ચૈતર વસાવાએ આક્ષેપ કર્યો હતો કે વડાપ્રધાનના કાર્યક્રમમાં ભાજપના મળતિયાઓને કામ આપવામાં આવ્યા હતા. આ મુદ્દે મનસુખ વસાવાએ ચેલેન્જ ફેંકતા કહ્યું હતું કે, ચૈતર વસાવા યાદી આપે કે કયા ભાજપના મુરતિયાને કામ મળ્યું છે? ખોટી વાતો કરવાને બદલે પુરાવા રજૂ કરે.

