- Sports
- ટૂવાલે લીધી વિકેટ! સૂર્યાની અપીલ પર થર્ડ અમ્પાયરે OUT આપ્યો, પરંતુ ખેલાડી કેમ પેવેલિયન પરત ન ફર્યો?
ટૂવાલે લીધી વિકેટ! સૂર્યાની અપીલ પર થર્ડ અમ્પાયરે OUT આપ્યો, પરંતુ ખેલાડી કેમ પેવેલિયન પરત ન ફર્યો?
બુધવારે એશિયા કપની પોતાની પહેલી મેચમાં ભારતે સંયુક્ત આરબ અમીરાત (UAE)ની ટીમને માત્ર 57 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. ભારત તરફથી કુલદીપ યાદવ (4/7) અને શિવમ દુબે (3/4) સૌથી વધુ વિકેટ લેનારા બૉલરો હતા, જ્યારે જસપ્રીત બૂમરાહ, અક્ષર પટેલ અને વરુણ ચક્રવર્તીને 1-1 વિકેટ મળી હતી. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી UAEની ટીમ માટે ઓપનર અલીશાન શરાફુએ સૌથી વધુ 22 રન બનાવ્યા હતા.
ભારત અને UAE વચ્ચે રમાયેલી મેચની 13મી ઓવરના ત્રીજા બૉલ પર મેદાનમાં કંઈક એવું બન્યું જે કોઈ સમજી ન શક્યું. શિવમ દુબેના બૉલ પર જુનૈદ સીદ્દિકીએ કોઈ રન લીધો નહોતો, તે એક શૉર્ટ બૉલ હતો જેને પુલ કરવા માટે સીદ્દિકી પાછળ હટ્યો હતો, પરંતુ ચૂકી ગયો. આ દરમિયાન બેટ્સમેને ટૂવાલ તરફ ઈશારો કર્યો હતો, જે શિવમ દુબેની રનિંગ દરમિયાન પડી ગયો હતો.
https://twitter.com/ImTanujSingh/status/1965812092835086497
આ દરમિયાન, સ્ક્વેર લેગથી થર્ડ અમ્પાયર પાસેથી રેફરલ લેવામાં આવ્યું અને સ્ક્રીન પર જોયા બાદ, એવું લાગતું હતું કે સીદ્દિકી આઉટ થઈ શકે છે અને થયું પણ કંઈક આવું જ. સ્ક્રીન પર થર્ડ અમ્પાયર દ્વારા તેને આઉટ આપવામાં આવ્યો હતો, પરંતુ આ દરમિયાન ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ અમ્પાયર સાથે ચર્ચા કરતો જોવા મળ્યો, ત્યારબાદ એ સ્પષ્ટ થયું કે સૂર્યાએ અપીલ પાછી ખેંચી લીધી હતી.
ઉલ્લેખનીય છે કે, જુનૈદ સીદ્દિકી ટૂવાલ તરફ ઈશારો કરવામાં વ્યસ્ત હતો, પરંતુ ક્રીઝની અંદર પાછા આવવાનું ભૂલી ગયો હતો અને સંજૂએ ખૂબ જ ચતુરાઇપૂર્વક આ તકનો ઉપયોગ કર્યો અને બૉલને સીધો અંડરઆર્મ્સથી ફેંકીને સ્ટમ્પ્સ હિટ કર્યા હતા.

