- Sports
- તેના વિના આપણે ક્યારેય નહીં જીતી શકીએ! યોગરાજ સિંહે ભારતીય ટીમને લીધી આડેહાથ
તેના વિના આપણે ક્યારેય નહીં જીતી શકીએ! યોગરાજ સિંહે ભારતીય ટીમને લીધી આડેહાથ
પૂર્વ ભારતીય ક્રિકેટર યોગરાજ સિંહે લોર્ડ્સમાં ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન ભારતીય ટીમના ખેલાડીઓને નબળી ફિલ્ડિંગ માટે આડેહાથ લીધા છે. યોગરાજ સિંહના મતે, જ્યાં સુધી ભારતીય ટીમ પોતાની ફિલ્ડિંગમાં સુધાર ન કરે, ત્યાં સુધી જીતવું મુશ્કેલ છે. લોર્ડ્સમાં ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન, ભારતીય ટીમની ફિલ્ડિંગ ફરી એકવાર નબળી રહી છે. ઘણા કેચ છૂટી ગયા હતા.
યોગરાજ સિંહે કહ્યું કે, ‘મેં ઘણી વખત કહ્યું છે કે કેચ ન છોડો. આપણે આ ઇનિંગમાં 5-6 કેચ છોડ્યા છે. ઓછામાં ઓછા એ કેચ ન છોડવા જોઇએ જે હાથમાં આવી રહ્યા હોય. જો ટીમે બધા કેચ પકડ્યા હોત, તો ઈંગ્લેન્ડ 300ની અંદર સમેટાઇ જતી. આપણે પોતાની ફિલ્ડિંગ સુધારવી પડશે. તેના વિના આપણે જીતી નહીં શકીએ. ફિલ્ડરોએ દરરોજ 100-100 કેચ પકડવાની પ્રેક્ટિસ કરવી જોઈએ.
યોગરાજ સિંહે કહ્યું, ‘ભારતીય ટીમમાં જ્યારે જ્યારે યુવરાજ સિંહ અને મોહમ્મદ કૈફ આવ્યા ત્યારે ફિલ્ડિંગનું સ્તરમાં ખૂબ સુધાર થયો. તેઓ એવા કેચ પકડતા હતા જે પકડાવાની શક્યતા નહોતી. તો 2ની જગ્યાએ એક રન અને 3 રનની જગ્યાએ રન આઉટ કરતા હતા. તેમની જેમ વર્તમાન ટીમે ફિલ્ડિંગ કરવી પડશે.’
યોગરાજ સિંહે કહ્યું કે, ‘જ્યાં સુધી બેટિંગનો સવાલ છે, શુભમન ગિલે છેલ્લી મેચમાં શું કર્યું હતું તે ભૂલી જવું જોઈએ. જો તે દરેક ઇનિંગને પોતાની પહેલી ઇનિંગ સમજાશે, તો હંમેશાં રન બનશે. આપણાં પહેલા 5-6 બેટ્સમેન સારું કરી રહ્યા છે. નીચેનો ક્રમ નબળા છે. મને લાગે છે કે બૂમરાહ અને સિરાજ સાથે અન્ય બોલરોને નેટસમાં 1-1 કલાક બેટિંગ પ્રેક્ટિસ કરાવવી જરૂરી છે. જો ટોપ ઓર્ડર ફ્લોપ થાય છે, તો આ કામમાં આવી શકે છે. તેનાથી નંબર 11 સુધી આપણી બેટિંગ મજબૂત થશે. ક્રિકેટ એવી રમત છે કે ઘણી વખત એક વિકેટ 300 રનની પાર્ટનરશિપ કરીને મેચ બદલી દે છે.
એક જૂની મેચને યાદ કરતા યોગરાજ સિંહે કહ્યું કે, ‘મને યાદ છે કે વેસ્ટ ઈન્ડીઝની મેચ ચાલી રહી હતી. એક તરફ વિવિયન રિચર્ડ્સ બેટિંગ કરી રહ્યા હતા. વેસ્ટ ઈન્ડીઝે 109 રનમાં 9 વિકેટ ગુમાવી દીધી હતી. રિચર્ડ્સે છેલ્લા નંબર પર આવેલા માઈકલ હોલ્ડિંગને વિકેટ પર રહેવા કહ્યું. છેલ્લી વિકેટ માટે બંનેએ લગભગ 125 રનની ભાગીદારી કરી. રિચર્ડ્સે તે મેચમાં 189 રનની ઇનિંગ રમી હતી. તે સમયે વન-ડેનો સૌથી વધુ વ્યક્તિગત સ્કોર હતો. તે મેચ વેસ્ટ ઈન્ડીઝે જીતી હતી. એટલે, નીચલા ક્રમના ખેલાડીઓ પાસે બેટિંગ કરવાનો આત્મવિશ્વાસ હોવો જોઈએ.

