- World
- ગ્રીનલેન્ડ લેવા નીકળેલા ટ્રમ્પને પુતિને તેની નવી કિંમત જણાવી! યુરોપના ઘા પર મીઠું પણ ભભરાવ્યું
ગ્રીનલેન્ડ લેવા નીકળેલા ટ્રમ્પને પુતિને તેની નવી કિંમત જણાવી! યુરોપના ઘા પર મીઠું પણ ભભરાવ્યું
ગ્રીનલેન્ડ પર ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય રાજદ્વારી ઉથલપાથલ વચ્ચે, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુરોપના ઘાને વધુ ઊંડો કર્યો છે. રશિયન રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, ડેનમાર્ક હંમેશા ગ્રીનલેન્ડની સાથે હંમેશા એક વસાહત જેવો વ્યવહાર કરી રહ્યું છે અને તેની સાથે કઠોરતા અને નિર્દયતાથી વ્યવહાર કર્યો છે. બરફથી ઢંકાયેલા ટાપુઓની ખરીદી અને વેચાણના ઐતિહાસિક ઉદાહરણોનો ઉલ્લેખ કરીને, રશિયન રાષ્ટ્રપતિએ આજે ગ્રીનલેન્ડનું મૂલ્ય 200 મિલિયન ડૉલરથી 250 મિલિયન ડૉલર હોવાનો અંદાજ લગાવ્યો હતો. 250 મિલિયન ડૉલરનો અર્થ આશરે 23 અબજ રૂપિયા થાય છે, જે 1 બિલિયન ડૉલર કરતા ઓછી રકમ છે.
યુક્રેન પર યુરોપિયન દેશો સાથે લાંબા સમયથી ટક્કરની સ્થિતિમાં રહેલા પુતિને જણાવ્યું હતું કે, રશિયાને ટાપુની માલિકી અંગે ચાલી રહેલા વિવાદ સાથે કોઈ લેવાદેવા નથી. તેમણે કહ્યું, 'તે ચોક્કસપણે અમારી સાથે જોડાયેલું હોય એવું લાગતું નથી. મને લાગે છે કે તેઓ તેને એકબીજા સાથે મળીને ઉકેલી લેશે.'
આ ટાપુ પર માત્ર 23 અબજ મૂકીને, જેના માટે US પ્રમુખ ટ્રમ્પ કોઈપણ હદ સુધી જવા તૈયાર છે, પુતિને યુરોપને બતાવ્યું છે કે, યુરોપની US સામે સોદાબાજી કરવાની શક્તિ કેટલી નબળી છે.
21 જાન્યુઆરી, 2026ના રોજ રશિયન સુરક્ષા પરિષદની બેઠકમાં પુતિને ગ્રીનલેન્ડ વિશે લાંબી વાત કરી. તેમણે કહ્યું કે, આ મુદ્દો રશિયાને લગતો નથી અને ડેનમાર્ક અને અમેરિકાએ પોતે જ તેનો ઉકેલ લાવવો જોઈએ.
રશિયન રાષ્ટ્રપતિએ ઇતિહાસના પાના ફેરવવાનું શરૂ કર્યું અને 1867ના વર્ષ તરફ પાછા ફર્યા. પુતિને કહ્યું કે 19મી સદીમાં, એટલે કે 1867માં, રશિયાએ અલાસ્કા યુનાઇટેડ સ્ટેટ્સને વેચી દીધું હતું, અને યુનાઇટેડ સ્ટેટ્સે તેને અમારી પાસેથી ખરીદી લીધું હતું.
પુતિને કહ્યું, 'જો મને બરાબર યાદ હોય, તો અલાસ્કાનો વિસ્તાર આશરે 1.717 મિલિયન ચોરસ કિલોમીટર છે, કદાચ થોડો વધારે પણ હોય શકે. યુનાઇટેડ સ્ટેટ્સે અલાસ્કાને અમારી પાસેથી 7.2 મિલિયન US ડૉલરમાં ખરીદ્યો હતો. આ બધા દાયકાઓમાં ફુગાવાને ધ્યાનમાં રાખીને, આ રકમ આજના ભાવમાં આશરે 158 મિલિયન ડૉલર થશે.'
પુતિને યુરોપ પર કટાક્ષ કરતા કહ્યું, 'ગ્રીનલેન્ડનો વિસ્તાર 2.166 મિલિયન ચોરસ કિલોમીટરથી થોડો વધારે છે.' તેમણે ઉમેર્યું કે, ગ્રીનલેન્ડ અને અલાસ્કાનો સંયુક્ત વિસ્તાર આશરે 449,000-450,000 ચોરસ કિલોમીટર છે. જો આપણે આની સરખામણી અમેરિકાએ અલાસ્કા માટે ચૂકવેલી કિંમત સાથે કરીએ, તો ગ્રીનલેન્ડનું મૂલ્ય લગભગ 200-250 મિલિયન ડૉલરની વચ્ચે થશે.
પુતિને કહ્યું કે, જો આપણે તે સમયના સોનાના ભાવના આધારે તેની કિંમત ગણીએ, તો ગ્રીનલેન્ડની કિંમત લગભગ 1 બિલિયન ડૉલરની નજીક હશે. ટ્રમ્પે કહ્યું કે અમેરિકા આટલો ખર્ચો તો ઉઠાવી શકે છે.
રશિયાના સ્થાનિક અખબારમાં છપાયેલા અહેવાલ અનુસાર, પુતિને એ પણ ઉલ્લેખ કર્યો છે કે, અમેરિકાએ ડેનમાર્ક પાસેથી વર્જિન આઇલેન્ડ્સ પણ ખરીદ્યા હતા. તેમણે કહ્યું, 'સૌથી મહત્વની વાત એ છે કે, ડેનમાર્ક અને યુનાઇટેડ સ્ટેટ્સનો પણ આ બાબતમાં પોતાનો અનુભવ છે. 1917માં, ડેનમાર્કે વર્જિન આઇલેન્ડ્સ USને વેચી દીધા. આ પણ એક ઉદાહરણ છે.'
પુતિને ડેનમાર્ક પર ટીકા કરતા કહ્યું કે ડેનમાર્ક હંમેશા ગ્રીનલેન્ડ સાથે એક વસાહત જેવો વ્યવહાર કરે છે, અને ખૂબ જ કઠોરતાથી વર્તે છે.
વિશ્વના બીજા ક્રમના સૌથી શક્તિશાળી નેતાએ યુરોપના ઘા પર મીઠું ભભરાવ્યું છે, જેના માટે વિશ્વના સર્વોચ્ચ નેતા કંઈ પણ કરવા તૈયાર છે, તે જ ટાપુની કિંમત 23 અબજ રૂપિયા નક્કી કરી છે. પુતિનનું નિવેદન ટ્રમ્પની માંગને સામાન્ય બનાવે છે, જાણે કે સાર્વભૌમત્વ અપ્રસ્તુત હોય અને પ્રદેશોની ખરીદી અને વેચાણ સામાન્ય વાત હોય. પુતિન ગ્રીનલેન્ડ માટે ઓછી કિંમત ઓફર કરીને યુરોપને ચીડવે છે, જાણે કે તે એક સસ્તો સોદો હોય, જ્યારે યુરોપ તેને સાર્વભૌમત્વનો મુદ્દો માને છે.
હકીકતમાં, પુતિન યુરોપ અને અમેરિકા વચ્ચેના આ સંઘર્ષને એકદમ શાંતિથી જોઈ રહ્યા છે, કારણ કે આ એ જ યુરોપિયન નેતાઓ છે, જેમણે યુક્રેન યુદ્ધમાં છેલ્લા ચાર વર્ષથી પુતિનને પરેશાન કર્યા છે.

