- Gujarat
- હવામાન વિભાગે 6 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની કરી આગાહી
હવામાન વિભાગે 6 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની કરી આગાહી
રાજ્યમાં મેઘરાજા જબરદસ્ત બેટિંગ કરી રહ્યો રી છે. હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ આગાહીને કારણે 6 જિલ્લામાં રેડ એલર્ટ અને 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો શુક્રવારે 6-12ના સમયગાળા દરમિયાન સૌથી વધુ વરસાદ વરસ્યો હતો. 6 કલાકની અંદર 4.17 ઈંચ વરસાદ પડતા ચારેય બાજુ પાણી જ પાણી થઈ ગયું હતું. રસ્તાઓ પણ પાણીથી તરબોળ થઈ ગયા હતા. નીચાણવાળા વિસ્તારમાં ઘરોમાંમાં પાણી ઘુસી જતા આખી રાત લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. તો બીજી તરફ સરકારી હોસ્પિટલમાં પાણી ભરાઈ ગયું હતું, જેના કારણે સારવાર લઈ રહેલા દર્દીઓથી લઈને પરિજનો અને હોસ્પિટલ સ્ટાફને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. દર્દીઓના વોર્ડ સુધી પાણી ભરાઈ ગયા હતા.
હવામાન વિભાગે દેવભૂમિ દ્વારકા, કચ્છ, મોરબી, બનાસકાંઠા, પાટણ અને જામનગર જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અહી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ જિલ્લાઓમાં પ્રશાસનને સાવચેત રહેવા અને જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, , સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ, મહેસાણા, દાહોદ, ખેડા, પંચમહાલ અને બોટાદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં પણ ભારે વરસાદની સંભાવના હોવાથી લોકોને સાબદું રહેવાની અપીલ કરાઇ છે.
ચોમાસાની કોઇપણ સંભવિત કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે આગમચેતીના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા SDRFની 20 ટુકડીઓ અને NDRFની 12 ટુકડીઓને વિવિધ જિલ્લામાં તૈનાત કરવામાં આવી છે. જ્યારે NDRFની 3 ટુકડીઓને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. ચોમાસા દરમિયાન કટોકટીની પરિસ્થિતિવાળી જગ્યાઓ પર સુરક્ષાના ભાગરૂપે કુલ 4,278 લોકોનું સ્થળાંતર અને 689 નાગરિકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. આ સિવાય રાજ્યના માછીમારોને પણ 22 જુલાઈ સુધી દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.
ચોમાસાની સીઝન દરમિયાન ભારે વરસાદ વચ્ચે પણ રાજ્યમાં ગુજરાત વાહન વ્યવહાર નિગમની નિર્ધારિત રાજ્યના કુલ 14,598 ST રૂટ પરની 40,264 ટ્રીપમાંથી વરસાદના કારણે એક પણ રૂટ કે ટ્રીપ બંધ કરવામાં આવી નથી. ગુજરાતમાં ચાલુ વર્ષે સીઝનનો કુલ સરેરાશ વરસાદ 51.37 ટકા નોંધાયો છે. રાજ્યના વિવિધ ઝોનમાં ચાલુ વર્ષે વરસેલા વરસાદની દૃષ્ટિએ સીઝનનો અત્યાર સુધીમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં સરેરાશ 58.46 ટકા નોંધાયો છે તો દક્ષિણ ગુજરાતમાં 55.29 ટકા, પૂર્વ મધ્ય ઝોનમાં 49.50 ટકા, તો સૌરાષ્ટ્રમાં 49.38 ટકા જ્યારે અને સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 49 ટકા વરસાદ નોંધાયો છે.
આ ચોમાસાની સીઝન દરમિયાન ભારે પવન સાથે વરસેલા વરસાદમાં રાજ્યના કુલ 14,490 ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો હતો. આ તમામ ગામોમાં યુદ્ધના ધોરણે વીજ પુરવઠો પૂર્વવત કરી દેવામાં આવ્યો છે. આ સાથે જ, પ્રભાવિત થયેલા વિવિધ ફીડર, વીજપોલ અને ટ્રાન્સફોર્મર સેન્ટરને પણ તાત્કાલિક ધોરણે પૂર્વવત કરી દેવામાં આવ્યા છે.

