- Gujarat
- 6 દિવસ બંધ રહેશે અમદાવાદનો આ અંડરબ્રિજ, ડાયવર્ઝન જાહેર
6 દિવસ બંધ રહેશે અમદાવાદનો આ અંડરબ્રિજ, ડાયવર્ઝન જાહેર
અમદાવાદ શહેરમાં ભારે ટ્રાફિકની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. શહેરના મહત્ત્વના સુભાષ બ્રિજ અને ગિરધરનગર બ્રિજ બંધ કરી દેવાયા છે, જેને કારણે આ વિસ્તારમાં ભારે ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ છે. પહેલાથી જ વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે, ત્યારે હવે વધુ એક મહત્ત્વનો રસ્તો બંધ થવાને કારણે અમદાવાદીઓની સમસ્યામાં વધારો થશે.
નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા ચાલી રહેલ બુલેટ 3 પ્રોજેક્ટના કામને કારણે શાહીબાગ અંડરપાસ 6 દિવાસ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ભાગરૂપે શાહીબાગ અંડરપાસ પાસે એક મહત્ત્વનું સ્ટ્રક્ચર ઊભું કરવાનું છે. જેને કારણે શાહીબાગ અંડરપાસ 6 દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
શાહીબાગ અંડરપાસ શહેરના અતિ વ્યસ્ત રસ્તાઓમાંથી એક છે, જે આગામી 23 જાન્યુઆરી થી 28 જાન્યુઆરી સુધી એટલે કે 6 દિવસ માટે વાહનવ્યવહાર માટે સંપૂર્ણ બંધ રહેશે. શાહીબાગ અંડરપાસ વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ રહેવાને કારણે એરપોર્ટ અને ગાંધીનગર તરફથી આવતા ટ્રાફિકને ભારે અસર થશે.
વાહનચાલકો માટે વૈકલ્પિક વ્યવસ્થા:
લોકોને હાલાકી ન ભોગવવી પડે તે માટે કેટલાક વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે. વાહનચાલકો દિલ્હી દરવાજા કે સુભાષબ્રિજથી એરપોર્ટ/ગાંધીનગર જવા માટે વાહનચાલકો સુભાષબ્રિજના છેડે આવેલા શિલાલેખ ફ્લેટ પાસેથી રિવરફ્રન્ટનો ઉપયોગ કરીને ડફનાળા રિવરફ્રન્ટ માર્ગે થઈને એરપોર્ટ તથા ગાંધીનગર જઈ શકશે.
વાહનચાલકો એરપોર્ટ/ગાંધીનગરથી શહેર તરફ (કાલુપુર/દિલ્હી દરવાજા) આવવા માટે એરપોર્ટ તરફથી આવતો ટ્રાફિક ડફનાળા રિવરફ્રન્ટનો ઉપયોગ કરી શકશે. જ્યારે અસારવા, ગીરધરનગર કે કાલુપુર જવા માટે શાહીબાગ થઈને મહાપ્રજ્ઞજી બ્રિજનો ઉપયોગ કરી શકાશે. તો નાગરિકો ગીરધરનગર/અસારવાથી એરપોર્ટ/ગાંધીનગર જવા માટે આ રસ્તેથી આવતા વાહનો શાહીબાગ થઈ, અનેક્ષી અને ગાયત્રી મંદિર થઈને આર્મી કેન્ટોનમેન્ટના રસ્તે એરપોર્ટ જઈ શકશે. તેમજ ત્યાંથી ઇન્દિરા બ્રિજ થઈ ગાંધીનગર જઈ શકાશે.
સુભાષ બ્રિજ અને ગિરધરનગર બ્રિજ બંધ થયા બાદ હવે વધુ એક મહત્ત્વનો રસ્તો બંધ થવાને કારણે શહેરીજનોએ ખાસ કરીને ઓફિસ અવર્સ દરમિયાન વૈકલ્પિક રૂટ પર નિર્ભર રહેવું પડશે. આ સિવાય દિલ્હી દરવાજા તરફ જતી AMTS-BRTS બસના રૂટમાં પણ ફેરફાર કરવામાં આવતા લોકોને વધારે હાલાકી ભોગવવી પડી શકે છે.

