- Politics
- ભાજપથી નારાજ નેતા અને કાર્યકર્તા પક્ષ છોડી કોંગ્રેસ કે આપમાં કેમ નથી જતા?
ભાજપથી નારાજ નેતા અને કાર્યકર્તા પક્ષ છોડી કોંગ્રેસ કે આપમાં કેમ નથી જતા?
ગુજરાતની રાજનીતિમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નું સ્થાન અનન્ય છે. ગુજરાતની જનતાએ ભાજપને જે અદભુત સમર્થન આપ્યું તેના બળે ભાજપ પક્ષ આજે રાષ્ટ્રીય કક્ષાએ કેન્દ્ર સરકાર સુધી પહોંચ્યો છે. ભાજપ ગુજરાતની જનતાનો આભાર માને તેટલું ઓછું છે પરંતુ આજે વર્ષ 2025માં ગુજરાત ભાજપની કામગીરી અને સંગઠનની અંદરની ગતિશીલતા અંગે ચર્ચાઓ થઈ રહી છે. એક તરફ જનતામાં ક્યાંક નારાજગી જોવા મળે છે તો બીજી તરફ પક્ષના પીઢ કાર્યકર્તાઓ અને નેતાઓમાં અસંતોષનો સૂર ઉઠી રહ્યો છે. આવા વિપરીત સંજોગોમાં એક મહત્ત્વનો પ્રશ્ન ઉભો થાય છે: ભાજપથી નારાજ નેતાઓ અને કાર્યકર્તાઓ પક્ષ છોડીને કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી (આપ)માં કેમ નથી જતા? આ પ્રશ્નનો જવાબ ભાજપના પીઢ કાર્યકર્તાઓના અદ્વિતીય સમર્પણ અને મૂલ્યોમાં રહેલો છે. જ્યારે યુવા નેતૃત્વ સામે આ મૂલ્યોને જાળવવાની ચિંતા પણ ઉભી થાય છે.
ભાજપના પીઢ કાર્યકર્તાઓનું યોગદાન એક પ્રેરણાદાયી ગાથા છે. આ કાર્યકર્તાઓએ પોતાના અંગત જીવન, ઘર-પરિવાર અને વ્યવસાયને બાજુએ મૂકીને પક્ષના વિકાસ માટે રાતદિવસ એક કર્યા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના ઘડતરથી આ કાર્યકર્તાઓમાં સેવાભાવ, સમર્પણ અને સંગઠનની ભાવના ઊંડે રોપાઈ છે. તેઓએ વિપરીત સંજોગોમાં પણ જનતાની સેવા કરી, પક્ષનું સંગઠન મજબૂત કર્યું અને નવા લોકોને જોડવાની કળા શીખી. આ કાર્યકર્તાઓની નિષ્ઠા એટલી અડગ છે કે નારાજગી હોવા છતાં તેઓ પક્ષવિરોધી કાર્ય કે દગાખોરીનો રસ્તો અપનાવતા નથી. તેમના માટે ભાજપ માત્ર એક રાજકીય પક્ષ નથી પરંતુ એક વિચારધારા છે. જેના પ્રતિ તેઓ પોતાની જાતને સમર્પિત કરી ચૂક્યા છે. આથી જ નારાજગી હોવા છતાં તેઓ કોંગ્રેસ કે આપ જેવા પક્ષોમાં જવાનું વિચારતા નથી કારણ કે તેમની વિચારધારા અને મૂલ્યો ભાજપના આદર્શો સાથે ગાઢ રીતે જોડાયેલા છે.

આ પીઢ કાર્યકર્તાઓનું સમર્પણ એક ઉદાહરણ છે જે રાજકારણમાં નિષ્ઠા અને આદર્શનું મહત્ત્વ દર્શાવે છે. તેમણે પોતાની મહેનતથી ગુજરાતમાં ભાજપનો પાયો મજબૂત કર્યો જેના પર આજે પક્ષની ભવ્ય ઈમારત ઊભી છે. પરંતુ આજે જ્યારે પક્ષમાં નવા નેતાઓ અને યુવા વર્ગનું નેતૃત્વ ઉભરી રહ્યું છે ત્યારે એક ચિંતાજનક પ્રશ્ન ઉભો થાય છે: શું આ યુવા નેતૃત્વ ભાજપના આ મૂલ્યો અને સંસ્કારોને જાળવી શકશે? આજના યુવા નેતાઓમાં ઝડપી સફળતા અને પ્રભાવની ભૂખ જોવા મળે છે પરંતુ પીઢ કાર્યકર્તાઓની જેમ ધીરજ, સમર્પણ અને વિપરીત સંજોગોમાં સંગઠનને એક રાખવાની ક્ષમતા શું તેમનામાં છે?
આજના સમયમાં ભાજપની અંદર જોવા મળતી નારાજગીનું એક કારણ એ પણ છે કે પીઢ કાર્યકર્તાઓને હાંસિયામાં ધકેલાયેલા અનુભવાય છે. નવા નેતાઓ અને યુવા વર્ગની આક્રમક શૈલી, સંગઠનમાં ઝડપી નિર્ણયો અને આધુનિક રાજકીય વ્યૂહરચનાઓએ પક્ષની દિશામાં ફેરફારો લાવ્યા છે. આ ફેરફારો જરૂરી હોઈ શકે પરંતુ તેની સાથે પીઢ કાર્યકર્તાઓના અનુભવ અને મૂલ્યોનું સન્માન જાળવવું પણ એટલું જ જરૂરી છે. યુવા નેતૃત્વે એ સમજવું જરૂરી છે કે ભાજપની સફળતા ફક્ત ચૂંટણી જીતવામાં નથી પરંતુ વિચારધારાને જીવંત રાખવામાં અને કાર્યકર્તાઓના સમર્પણને મૂલ્ય આપવામાં છે.

આગળ જતાં ભાજપે પોતાના પીઢ કાર્યકર્તાઓના અનુભવ અને યુવા નેતૃત્વની ઊર્જાનો સમન્વય કરવો પડશે. જો યુવા નેતાઓ આ સંસ્કારો અને મૂલ્યોને અપનાવી પીઢ કાર્યકર્તાઓના અનુભવનો આદર કરશે તો જ ભાજપ ગુજરાતમાં પોતાની મજબૂત સ્થિતિ જાળવી શકશે. નહીં તો આ નારાજગી વધતી જશે અને ભવિષ્યમાં પક્ષની એકતા પર પ્રશ્નો ઉભા થઈ શકે છે.

