- Sports
- પૃથ્વી શૉને DCએ 75 લાખમાં કેમ ખરીદ્યો? હરાજી બાદ ટીમના માલિકે કર્યો ખુલાસો
પૃથ્વી શૉને DCએ 75 લાખમાં કેમ ખરીદ્યો? હરાજી બાદ ટીમના માલિકે કર્યો ખુલાસો
દિલ્હી કેપિટલ્સના સહ-માલિક કિરણ કુમાર ગ્રાંધીએ IPL 2026ની હરાજી દરમિયાન પૃથ્વી શૉને ફરી એક વખત ફ્રેન્ચાઇઝીમાં સામેલ કરવાના નિર્ણય પાછળનું કારણ જણાવ્યું છે. શૉને દિલ્હી કેપિટલે પહેલી વખત વર્ષ 2018માં ખરીદ્યો હતો, જ્યારે તેણે ભારતીય ટીમની કેપ્ટન્સી કરતા અંડર-19 વર્લ્ડ કપ જીતાડ્યો હતો. શૉની ગણતરી ભવિષ્યના સૌથી પ્રતિભાશાળી ખેલાડીઓમાં કરવામાં આવતી હતી. શૉને 2025ની મેગા હરાજી પહેલા રીલિઝ કરી દેવામાં આવ્યો હતો.
ગત સીઝનમાં કોઈ ટીમે આ બેટ્સમેનમાં રસ દાખવ્યો નહોતો. 75 લાખ રૂપિયાની બેઝ પ્રાઈસ હોવા છતા પૃથ્વી શૉને એક પણ બોલી મળી નહોતી. IPL 2026ની હરાજીના શરૂઆતી ચરણમાં પણ આવો જ ટ્રેન્ડ જોવા મળ્યો હતો, જ્યાં તે મુખ્ય ડ્રોમાં અનાસોલ્ડ રહ્યો હતો અને એક્સેલેરેટેડ હરાજી પ્રક્રિયામાં ઘણી વખત પાછો લાવવામાં આવ્યો હતો. અંતે હરાજીના છેલ્લા ચરણમાં દિલ્હી કેપિટલ્સે તેને તેની બેઝ પ્રાઈસમાં ફરીથી પોતાની સાથે કરી લીધો.
હરાજી બાદ વાત કરતા ગ્રાંધીએ કહ્યું કે, પૃથ્વી શૉ માટે IPLમાં મજબૂત વાપસી કરવાની આ એક શ્રેષ્ઠ તક છે. દિલ્હી કેપિટલ્સના સહ-માલિકે આશા વ્યક્ત કરી કે શૉ આ બીજી તકને ગંભીરતાથી લેશે અને ટીમ માટે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરશે.
https://twitter.com/DelhiCapitals/status/2000982941284073960?s=20
ગ્રાંધીએ કહ્યું કે, ‘પૃથ્વીએ અગાઉ દિલ્હી કેપિટલ્સ માટે સારું પ્રદર્શન કર્યું છે. દરેક ખેલાડીની કારકિર્દીમાં ઉતાર-ચઢાવ આવે છે અને આ તેના માટે મજબૂત વાપસી કરવાની તક છે. અમે આને પૃથ્વી માટે બીજી તક માનીએ છીએ અને હું તેને ફરીથી દિલ્હીની જર્સીમાં જોવા માટે વાસ્તવમાં ઉત્સાહિત છું. આશા છે કે, તે આ તકને ગંભીરતાથી લેશે અને ટીમ માટે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરશે.’
પૃથ્વી શૉએ પોતાના પહેલા કાર્યકાળમાં દિલ્હી કેપિટલ્સ માટે 79 મેચ રમી હતી, જેમાં કુલ 1892 રન બનાવ્યા હતા. હરાજીની શરૂઆતમાં દિલ્હી કેપિટલ્સે કેટલાક સ્માર્ટ સોદા કર્યા હતા. દિલ્હીએ જમ્મુ-કાશ્મીરના ઓલરાઉન્ડર આકિબ નબી ડાર પર મોટો દાવ લગાવ્યો હતો, તેને 8.40 કરોડ રૂપિયામાં સાઇન કર્યો હતો. ગ્રાંધીનું માનવું છે કે ફ્રેન્ચાઇઝીએ હરાજી દરમિયાન તમામ જરૂરી ક્ષેત્રોને આવરી લીધા છે અને નવી સીઝન માટે એક સંતુલિત ટીમ છે.

