- World
- ડોનાલ્ડ ટ્રમ્પ જેના વિશે આક્રમક થઇ રહ્યા છે તે ગ્રીનલેન્ડ વિશ્વના નકશામાં ક્યાં છે? તેમને કેમ છે આમા...
ડોનાલ્ડ ટ્રમ્પ જેના વિશે આક્રમક થઇ રહ્યા છે તે ગ્રીનલેન્ડ વિશ્વના નકશામાં ક્યાં છે? તેમને કેમ છે આમાં રસ
ડેનમાર્કનું ગ્રીનલેન્ડ આ દિવસોમાં હેડલાઇન્સમાં છવાયેલું છે. તેનું કારણ US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ગ્રીનલેન્ડ પર 'કબજો' કરવાનું નિવેદન છે. ડોનાલ્ડ ટ્રમ્પના આ નિવેદનથી માત્ર ડેનમાર્કમાં જ નહીં પરંતુ સમગ્ર યુરોપમાં હલચલ મચી ગઈ છે.
ગુરુવારે તેમના નિવેદન પછી એક ઇન્ટરવ્યુમાં, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમેરિકા લાંબા સમયથી ચાલતા કરાર પર આધાર રાખવાને બદલે સમગ્ર ગ્રીનલેન્ડની માલિકી ઇચ્છે છે. ટ્રમ્પ જે કરારનો ઉલ્લેખ કરી રહ્યા હતા તે હેઠળ, અમેરિકાને ડેનમાર્ક અને ગ્રીનલેન્ડની સંમતિથી ત્યાં લશ્કરી થાણા સ્થાપિત કરવાનો વ્યાપક અધિકાર મળેલો છે.
ગ્રીનલેન્ડ ક્યાં છે? એ વિશે ચર્ચા કરતા પહેલા, ચાલો વાત કરી લઈએ ડેનમાર્ક વિશે... ડેનમાર્ક યુરોપનો એક દેશ છે. ડેનમાર્ક મુખ્ય રીતે જમીનના ત્રણ ટુકડાઓમાં વહેચાયેલું છે. પ્રથમ, ડેનમાર્ક- જે મુખ્ય યુરોપીય ભૂમિ છે. તેમાં જૂટલેન્ડ દ્વીપકલ્પ અને ઘણા મોટા ટાપુઓ (જેમ કે ઝીલેન્ડ, ફ્યુન અને બોર્નહોમ) શામેલ છે.
બીજું, ગ્રીનલેન્ડ-વિશ્વનો સૌથી મોટો ટાપુ છે, જે ઉત્તર એટલાન્ટિક અને આર્કટિક મહાસાગર વચ્ચે સ્થિત છે. તે ડેનમાર્ક રાજ્યનો સ્વ-શાસિત પ્રદેશ છે. ભૌગોલિક રીતે, તે ઉત્તર અમેરિકાનો ભાગ માનવામાં આવે છે, પરંતુ રાજકીય અને વહીવટી રીતે, તે ડેનમાર્ક રાજ્યનો ભાગ છે.

ત્રીજું: ફેરો ટાપુઓ-આ દ્વીપસમૂહ ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં આવેલો છે અને ડેનમાર્કનો સ્વાયત્ત પ્રદેશ છે.
આર્કટિકમાં ગ્રીનલેન્ડનું સ્થાન વ્યૂહાત્મક અને સરહદની રીતે અત્યંત મહત્વપૂર્ણ છે. તે કેનેડિયન ટાપુ સાથે લગભગ દોઢ કિલોમીટરની સરહદ ધરાવે છે. રશિયા, ચીન અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચેની વર્તમાન સ્પર્ધામાં આ સ્થાન વધુ મહત્વપૂર્ણ બને છે.
ગ્રીનલેન્ડના કુદરતી સંસાધનો અને દરિયાઈ માર્ગો તેની જમીનને વધુ મહત્વપૂર્ણ બનાવે છે. ગ્રીનલેન્ડમાં આશરે 56,000 લોકો રહે છે, જેમાંથી મોટાભાગના ઇનુઇટ સમુદાયના છે. ગ્રીનલેન્ડનું અર્થતંત્ર માછીમારી પર ખૂબ આધાર રાખે છે. આ ઉપરાંત, લોકોને ડેનિશ સરકાર તરફથી સબસિડી મળે છે.
ગ્રીનલેન્ડની રાજધાની નુઉક અને ડેનમાર્કની રાજધાની કોપનહેગન વચ્ચેનું સીધું અંતર (વિમાની માર્ગે) લગભગ 3,540 કિલોમીટર છે. નુઉક (ગ્રીનલેન્ડ) અને કોપનહેગન (ડેનમાર્ક) વચ્ચે સીધી ફ્લાઇટ દ્વારા મુસાફરી કરવામાં લગભગ સાડા ચારથી પાંચ કલાક લાગે છે.
હાલની પરિસ્થિતિ જોતાં, એવું લાગે છે કે અમેરિકા આ વખતે ગ્રીનલેન્ડ પ્રત્યે વધુ ગંભીર છે. ગુરુવારે મીડિયા સાથે વાત કરતા, અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ J.D. વાન્સે કહ્યું છે કે, 'અમેરિકાના રાષ્ટ્રપતિને ગંભીરતાથી લેવા જોઈએ', તેમને આગળ વધુમાં કહ્યું કે, 'અમે અમારા યુરોપિયન મિત્રોને વિનંતી કરી રહ્યા છીએ કે, તેઓ તે પ્રદેશની સુરક્ષાને વધુ ગંભીરતાથી લે, કારણ કે જો તેઓ આમ નહીં કરે, તો અમેરિકાએ અમુક પગલાં લેવા પડશે.'

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, શીત યુદ્ધ દરમિયાન, અમેરિકાએ ગ્રીનલેન્ડમાં પરમાણુ મિસાઇલો તૈનાત કરવાની યોજના બનાવી હતી, પરંતુ તકનીકી મુશ્કેલીઓ અને ડેનિશ વિરોધને કારણે આ યોજના રદ કરવામાં આવી હતી. અમેરિકા બીજા વિશ્વયુદ્ધથી ગ્રીનલેન્ડમાં પિટુફિક સ્પેસ બેઝ (અગાઉ થુલે એર બેઝ) ચલાવી રહ્યું છે. આજે, આ બેઝ મિસાઇલ મોનિટર તરીકે કામ કરે છે.
તાજેતરના વર્ષોમાં, ગ્રીનલેન્ડના ખનિજ સંસાધનોમાં દુનિયાનો રસ વધ્યો છે. દુર્લભ પૃથ્વી ખનિજો, યુરેનિયમ અને લોખંડ અહીં મળી શકે છે. વૈજ્ઞાનિકો માને છે કે, અહીં તેલ અને ગેસ પણ હોઈ શકે છે. ગ્લોબલ વોર્મિંગને કારણે બરફ પીગળી રહ્યું છે, જેના કારણે આ સંસાધનોની પાસે પહોંચવું સરળ બની શકે એવું લાગી શકે છે.
ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે કે, અમેરિકા ગ્રીનલેન્ડને ખનિજો માટે નહીં, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા માટે ઇચ્છે છે. તેમણે એમ પણ કહ્યું કે, ગ્રીનલેન્ડની આસપાસ રશિયન અને ચીની જહાજોની હાજરી US સુરક્ષા માટે ખતરો બની શકે છે.
US સુરક્ષા એજન્સીઓ માને છે કે, રશિયા અને ચીન આર્કટિક ક્ષેત્રમાં તેમની લશ્કરી અને નૌકાદળની હાજરી વધારી રહ્યા છે. આવી સ્થિતિમાં ગ્રીનલેન્ડ USને આ પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં અને સમયસર સંભવિત મિસાઇલ જોખમોને ઓળખવામાં મદદ કરે છે. આ ઉપરાંત, આબોહવા પરિવર્તનને કારણે બરફ પીગળવાથી નવા દરિયાઈ માર્ગો ખુલી રહ્યા છે, જેના કારણે આર્કટિકનું લશ્કરી અને વ્યૂહાત્મક મહત્વ વધુ વધી રહ્યું છે. USનું કહેવું છે કે, ગ્રીનલેન્ડ તેના ખનિજો કરતાં તેના માટે રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો વધુ છે.

